Vadodara: શહેરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાંની સાથે જ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) એક્શન મોડમાં આવી ગઈ છે. શાળાના પ્રથમ દિવસોમાં જ માસૂમ બાળકોને લાવતા-લઈ જતા સ્કૂલ વાહનોના ફિટનેસ અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે RTO દ્વારા આજે 10 જૂનના રોજ વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઝુંબેશ દરમિયાન મોટર વાહન કાયદાના સરેઆમ ધજાગરા ઉડાવતા 59 સ્કૂલ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂપિયા 5.37 લાખનો માતબર દંડ ફટકારવામાં આવ્યો છે.
RTOની ત્રણ ટીમોનું વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ
આજરોજ વડોદરા RTO દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સાથે ચેડાં કરતા વાહનચાલકોને પકડવા માટે એઆરટીઓ પી.આઈ. રાણાના સીધા નેતૃત્વ હેઠળ ત્રણ અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરવામાં આવી હતી.
આ ટીમોએ સવારથી જ શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારો જેવા કે માંજલપુર, તરસાલી, અટલાદરા, ભાયલી, શેરખી અને ગોત્રી સહિતના મુખ્ય માર્ગો તેમજ શાળાના પરિસરો નજીક વોચ ગોઠવીને વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું.
સૌથી વધુ પરમિટ ભંગના કેસ: નિયમો નેવે મૂકાયા
આ સરપ્રાઈઝ ડ્રાઈવ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં નિયમોના ઉલ્લંઘનમાં સૌથી મોટો આંકડો પરમિટ ભંગનો જોવા મળ્યો હતો. નિયમ વિરુદ્ધ દોડતા 43 વાહનો સામે સૌથી કડક કાર્યવાહી કરીને સ્થળ પર જ રૂ. 4.30 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અનેક વાહનો માન્ય વીમા (Insurance) વગર, પીયુસી (PUC) પ્રમાણપત્ર વિના તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જ રસ્તા પર દોડતા ઝડપાયા હતા. કેટલાક વાહનોમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવા તેમજ રોડ સેફ્ટીના પાયાના નિયમોના ભંગ બદલ પણ કડક શિક્ષાત્મક પગલાં લેવાયા હતા.
વાલીઓ અને સ્કૂલ સંચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
RTOની આ આક્રમક કાર્યવાહીના પગલે સ્કૂલ વાહન ચાલકો, રિક્ષાચાલકો અને વાન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. RTOના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દંડ કરવાનો નથી, પરંતુ વાલીઓ અને સ્કૂલ વ્યવસ્થાપનમાં જાગૃતિ લાવવાનો છે. જેથી તેઓ પણ બાળકોને આવા અનધિકૃત વાહનોમાં મોકલતા અટકે.
અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા સરપ્રાઈઝ ચેકિંગ અવારનવાર ચાલુ રાખવામાં આવશે.
