Ahmedabad: કઠવાડા સ્થિત 'શ્રી માતંગી ડેરી'માં AMCની તપાસ, રૂ. 2.85 લાખનો 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ

કાઉઝ પ્યોર ઘી માખણ મિશ્રી અને કાઉઝ પ્યોર ઘી સ્વામિનારાયણ બ્રાન્ડના અડધાથી લઈને 1 લીટર ઘીના પાઉચ મળી આવ્યા. ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Jun 2026 07:27 PM (IST)Updated: Wed, 10 Jun 2026 07:27 PM (IST)
ahmedabad-news-amc-raid-shree-matangi-daity-at-kathwada-seized-duplicate-cow-ghee
HIGHLIGHTS
  • ઘી ઉત્પાદન એકમમાં ગંભીર અનિયમિતતાઓ સામે AMCની કાર્યવાહી

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા નિયમોના ઉલ્લંઘન સામે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કઠવાડા વિસ્તારમાં આવેલી 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ' નામના એકમમાં તપાસ દરમિયાન લાયસન્સ સંબંધિત ગંભીર અનિયમિતતાઓ તેમજ સ્વચ્છતા અને હાઈજીનના નિયમોના ભંગના મામલા સામે આવતા એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ રૂ. 2.85 લાખની કિંમતનો કુલ 452 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

કઠવાડા સ્થિત 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ'માં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી

ફૂડ વિભાગની ટીમે તા. 10 જૂન, 2026ના રોજ શાહ ચિંતન સુરેશભાઈ સંચાલિત 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ', શેડ નં. C/73, સત્ય-2 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેદ-2 નજીક, કઠવાડા ખાતે તપાસ હાથ ધરી હતી.

જ્યાં તપાસ દરમિયાન સ્થળ પર શુદ્ધ ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તપાસમાં ધંધાના સ્થળે દર્શાવવામાં આવેલ ફૂડ સેફ્ટી લાયસન્સની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે, ફૂડ સેફ્ટી લાયસન્સ તે જ સ્થળ માટે માન્ય હોય છે જ્યાં ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જો કે અહીં ઉપયોગમાં લેવાતું લાયસન્સ અન્ય સ્થળ માટેનું હોવાનું અને તે પણ એક્સપાયર થયેલું હોવાનું જણાયું હતું.

naidunia_image

આ ઉપરાંત પેકિંગ પર દર્શાવાયેલ લાયસન્સનું સરનામું અને વાસ્તવિક ઉત્પાદન સ્થળ અલગ હોવાનું પણ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળે ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લાયસન્સ અંગે એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, તે અન્ય એક યુનિટનું લાયસન્સ હોઈ શકે છે, જેનો ઉપયોગ હાલના સ્થળે કરવામાં આવી રહ્યો હતો.

ફૂડ વિભાગની ટીમે સ્થળ પર શિડયુલ-4 હેઠળ નિર્ધારિત સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું પણ પાલન થતું ન હોવાનું નોંધ્યું હતું. વધુમાં જે લાયસન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેમાં 'શુદ્ધ ઘી'ના ઉત્પાદનનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં સ્થળ પર ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન 'કાઉઝ પ્યૉર ઘી (MAKHANN MISHHRRI)' બ્રાન્ડના 500 ML જાર અને લૂઝ જથ્થા સહિત કુલ 182 લીટર ઘી મળી આવ્યું હતું. ઉપરાંત 'કાઉઝ પ્યૉર ઘી (સ્વામીનારાયણ)' બ્રાન્ડના 500 ML જાર અને 1 લીટર પેકિંગ સહિત કુલ 270 લીટર ઘી મળી આવ્યું હતું. આમ બંને બ્રાન્ડનો મળીને કુલ 452 લીટર ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 2,85,160 થાય છે, વેચાણ માટે સ્થગિત કરવામાં આવ્યો છે.

naidunia_image

ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂનાઓ વધુ તપાસ અને ગુણવત્તા ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી (PHL), અમદાવાદ ખાતે વિશ્લેષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવેલી ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ સમગ્ર એકમને બંધ કરી સીલ કરવામાં આવ્યું છે. હવે લેબોરેટરીના પરીક્ષણ અહેવાલના આધારે સંબંધિત સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

AMCના ફૂડ વિભાગની આ કાર્યવાહી શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલી સતત ચકાસણી અને મોનિટરિંગનો એક ભાગ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.