વડોદરા-અમદાવાદ હાઈવે પર 10 મિનિટમાં રૂ. 35 લાખની ચોરી, દેણા ચોકડી નજીક કારમાંથી રોકડ ભરેલી બેગની ઉઠાંતરી

વડોદરા-અમદાવાદ હાઈવે પર દેણા ચોકડી નજીક એક ચોંકાવનારી ચોરી થઈ છે. હાલોલની કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયરની કારમાંથી માત્ર 10 મિનિટમાં ₹35 લાખ રોકડા ભરેલી બેગ ચોરાઈ ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Oct 2026 07:18 PM (IST)Updated: Sun, 11 Oct 2026 07:18 PM (IST)
vadodara-news-rs-35-lakh-stolen-from-car-near-dena-chokdi-on-ahmedabad-highway

Vadodara Theft Case: વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા દેણા ચોકડી વિસ્તારમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હાલોલની કન્સ્ટ્રક્શન કંપનીના એન્જિનિયરની કારમાંથી તસ્કરો માત્ર 10 જ મિનિટમાં રૂપિયા 35 લાખની રોકડ ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હાલોલ GIDCમાં આવેલી રૂબામીંગ પ્રાઈવેટ લિમિટેડ અને હિટાચી એનર્જી સહિતના બાંધકામ પ્રોજેક્ટ્સમાં કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા રોમલકુમાર પટેલ (31) કંપનીના કર્મચારીઓના માસિક પગાર ઉપરાંત સપ્લાયરોને ચૂકવવા માટેના નાણાં લેવા માટે ઘોઘરા રોડ પર આવેલી નમો આંગડિયા પેઢીએ પહોંચ્યા હતા.

ગઈકાલે સાંજે આંગડિયા પેઢીમાંથી રૂ. 30 લાખ રોકડા મેળવ્યા હતા. તેમજ કંપનીની ઉઘરાણી પેટે મળેલા રૂ. 5 લાખ મળીને કુલ 35 લાખ રૂપિયા એક બેગમાં મૂક્યા હતા. આ રૂપિયા ભરેલી બેગ લઈને તેઓ પોતાની કારમાં વડોદરા જવા નીકળ્યા હતા.

સાંજે પોણા 6 વાગ્યાના અરસામાં તેઓ વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલ દેણા ચોકડી નજીક પહોંચ્યા હતા. જ્યાં તેઓ કાર પાર્ક કરીને નજીકના કોમ્પલેક્સમાં ચા-પાણી કરવા ગયા હતા. જ્યાંથી 10 મિનિટમાં તેઓ પરત ફર્યા ત્યારે કારની ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો અને પાછળની સીટ પર મૂકેલી રૂ. 35 લાખની રોકડ ભરેલી બેગ ગાયબ હતી.

આથી રોમલકુમારે માલિક ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી. આવનારા દિવાળી પર્વ પહેલા કર્મચારીઓના પગાર અને વેપારીઓના પેમેન્ટ માટે લવાતી આટલી મોટી રકમની ચોરી થતા પોલીસ પણ હરકતમાં આવી ગયું છે. આ ચોરી પાછળ કોઈ વ્યવસ્થિત રેકી કરનાર ગેંગનો હાથ છે કે કેમ, અથવા તો તસ્કરોને આંગડિયા પેઢીથી જ કારની હિલચાલ અને રોકડ અંગે અગાઉથી માહિતી હતી કે નહીં, તે તમામ દિશાઓમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. હાઇવે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને અજાણ્યા તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.