Vadodara News: સંસ્કારી નગરી વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાંથી ગતરોજ લૂંટ, ધાડ અને ચોરી જેવા 10થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અને ગુજસીટોક હેઠળ પકડાયેલો કુખ્યાત આરોપી મોહસીન મીંડી પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતા સમજી રેલવે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ ભાગેડુ આરોપીને ગોધરાથી ઝડપી પાડીને જેલભેગો કરી દીધો છે.
આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 9મી તારીખે ગોધરાના ગુજસીટોકના ગુનામાં આરોપી મોહસીન મીંડીની રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન, આરોપીને અચાનક ખેંચ આવતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના વોર્ડમાં આરોપીને સુરક્ષાના ભાગરૂપે હાથકડી પહેરાવીને બેડના પલંગ સાથે બાંધી રાખવામાં આવ્યો હતો. પરંતુ, અતિ શાતિર એવા મોહસીને સિફતપૂર્વક હાથકડી માંથી હાથ કાઢી લીધો હતો અને ત્યાં તૈનાત 4 પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને ગોધરાથી પકડી લીધો
હોસ્પિટલમાંથી ભાગ્યા બાદ આરોપીએ રસ્તા પરથી એક બાઇકચાલક પાસે લિફ્ટ મેળવીને ગોલ્ડન ચોકડી સુધી પહોંચ્યો હતો. ત્યાંથી તે ઈક્કો કારમાં કલોલ પહોંચ્યો અને ત્યારબાદ અન્ય વાહન બદલીને ગોધરા તરફ ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ હરકતમાં આવી ગઈ હતી. રેલવે એસ.પી. અભય સોનીના માર્ગદર્શન હેઠળ ટીમો રચાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ગોધરાથી દબોચી લેવામાં આવ્યો હતો.
ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
આ મામલે રેલવે એસ.પી. અભય સોનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન આરોપી મોહસીન મીંડી નશાનો બંધાણી હોવાનું બહાર આવ્યું છે અને નશાની ભારે તલપ લાગવાને કારણે જ તે હોસ્પિટલમાંથી ભાગ્યો હતો. વધુમાં, આ ગંભીર બેદરકારી બદલ ફરજ પર તૈનાત ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફીની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
