Vadodara News: વડોદરા શહેરની જાણીતી એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ રહેલો એક કુખ્યાત આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આ આરોપીના નાસી છૂટવાથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ છે.
ગુજસીટોકનો આરોપી હાથકડી સાથે ફરાર
પ્રાપ્ત વિગતો અનુસાર, મોહસીન મીંડી નામના આરોપીને સુરક્ષા માટે હાથમાં હથકડી પહેરાવીને વડોદરાની સયાજી હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ મુજબ તેને બેડ સાથે હથકડી વડે બાંધીને રાખવામાં આવ્યો હતો જેથી તે ભાગી ન શકે.
દરમિયાન, શનિવારે બપોરે આરોપી મોહસીન મીંડીએ પેટમાં દુખાવાનું કે શૌચાલય જવાનું બહાનું આગળ કર્યું હતું. તેણે પોલીસ કર્મચારીઓ સમક્ષ બાથરૂમ જવાની જીદ પકડી હતી. આરોપીની આ સ્થિતિ જોઈને ડ્યુટી પર હાજર પોલીસકર્મીઓએ માનવતાના ધોરણે કે પ્રોટોકોલ મુજબ તેને બાથરૂમ જવાની છૂટ આપી હતી. પરંતુ, આ તકનો લાભ લઈને તે ચતુર આરોપી પોલીસકર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
આરોપી ફરાર થતાં પોલીસ દોડતી થઈ
આરોપી બાથરૂમમાંથી બહાર ન આવતા પોલીસકર્મીઓએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદર કોઈ અવાજ ન આવતા દરવાજો ખોલીને જોતાં હોશ ઉડી ગયા હતા. આરોપી ત્યાં હાજર નહોતો અને તે ભાગી છૂટ્યો હોવાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો હતો. ગુજસીટોક જેવા ગંભીર અને સંગઠિત ગુનાના કેસમાં સંડોવાયેલો આરોપી હાથમાં હથકડી હોવા છતાં પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો.
સીસીટીવી સામે આવતા તપાસ શરુ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ફરાર થયેલા આરોપી મોહસીન મીંડીને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક ધોરણે નાકાબંધી કરી દીધી છે. આ ઉપરાંત, શહેરના મુખ્ય રસ્તાઓ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ફરાર થયો તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. તેમજ આરોપીની શોધખોળ માટે PCB, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને રાવપુરા પોલીસની ટીમ કામે લાગી.
