Mad Sandhu Murder Case: અમૃતસરમાં પંજાબી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને LGBTQ સપોર્ટર મધુ સુદન ઉર્ફે 'મેડ સંધુ'ની હત્યા કેસમાં પંજાબ પોલીસે ગુજરાત ATS અને વલસાડ પોલીસના સંયુક્ત ઑપરેશન હાથ ધરી વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. હવે ત્રણેય આરોપીઓને પંજાબ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ATS તરફથી જણાવ્યા મુજબ, ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓની ઓળખ હરસિમરનજીત સિંહ ઉર્ફે સિમુ સિંગ્ગા, ફતેહસિંહ અને અરમાન સિંહ તરીકે થઈ છે. જેમને શનિવારના રોજ વલસાડ જિલ્લાના વાપી શહેરમાંથી અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 3 ઓક્ટોબરના રોજ પંજાબના અમૃતસરમાં લોહારકા વિસ્તારમાં મેડ સંધુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેડ સંધુ કાર વોશિંગ સેન્ટર પર પોતાની કાર વોશ કરાવવા માટે આવ્યો હતો. આ દરમિાયન બાઈક પર આવેલા બે બુકાનીધારી હુમલાખોરોએ મેડ સંધુ પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
જે બાદ ઈજાગ્રસ્ત મેડ સંધુની તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યાં હતા. આ સમગ્ર કેસમાં પોલીસે CCTV ફૂટેજ સહિત અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરી હતી.
અગાઉ ગુરુવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાર્પશૂટર પરમિન્દર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પરમિંદર કથિત ગોલ્ડી ઢિલ્લો ગેંગ સાથે સંકળાયેલો છે. મેડ સંધુની હત્યા કરીને આરોપી પોલીસ પકડથી બચવા માટે ગુજરાત ભાગી આવ્યો હતો.
