સુરત નવી સિવિલમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસઃ ખટોદરા પોલીસે બે મહિલા તબીબની ધરપકડ કરી, હજુ બે આરોપીઓ ફરાર

સુરત નવી સિવલ હોસ્પિટલમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેગિંગના આરોપમાં બે મહિલા તબીબો ડૉ. દિક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભૂતની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી તબીબો ફરાર છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Oct 2026 05:56 PM (IST)Updated: Sun, 11 Oct 2026 05:56 PM (IST)
surat-dr-harsh-pandya-case-two-female-doctors-arrested-over-ragging-allegations

Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રેગિંગથી કંટાળેલા રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં ખટોદરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ભાવનગર અને રાજુલાની બે મહિલા તબીબની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ અરવલ્લી જિલ્લાના વતની અને એમ.ડી. માઈક્રોબાયોલૉજીન ફર્સ્ટ યરના ડૉ. હર્ષ પંડ્યાએ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ પીજી હોસ્ટેલમાં આપઘાત કરી લીધો હતો. ગત 8 ઓગસ્ટના રોજ ડૉ. હર્ષ પંડ્યા ફરજ પર હાજર ના થતાં સાથીઓએ તપાસ કરતાં તે પોતાના રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.

આ સમગ્ર મામલે ફેક્ટ ફાઉન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં સીનિયર દ્વારા ડૉ. હર્ષ પંડ્યાનું રેગિંગ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેના આધારે મૃતકના પિતા સુભાષ પંડ્યાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી અને દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મેડિકલ કોલેજ કાઉન્સિલે પણ સમગ્ર કેસમાં સંડોવાયેલ પેથોલૉજીના ચાર સીનિયર તબીબો ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. હિના ભૂત અને ડૉ. દીક્ષિતા સેસારિયનને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યાં હતા. મૃતક ડૉ. હર્ષ પંડ્યાને ત્રાસ આપનાર ભાવનગરની ડૉ. દિક્ષિતા ઘેવરીયા (25) અને રાજુલાની ડૉ. હિના ભૂત (25)ની ધરપકડ કરી છે. હવે આ બન્ને આરોપી તબીબોને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે હજુ પણ ડૉ. નિરાલી વસાવે અને ડૉ. અનુજ મહેશ્વરી પોલીસ પકડથી દૂર હોવાથી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.