Surat: ગઈકાલે અમદાવાદના નારોલ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની હજુ સુધી ભાળ નથી મળી, ત્યારે આવો જ વધુ એક બનાવ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પાંડેસરા GIDC વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના વતની બુદ્ધવિલાસ પાંડેસરા GIDC સ્થિત રાધિકા પ્રિન્ટિંગ મિલના પરિસરમાં ચાર સંતાનો સહિત પરિવાર સાથે રહે છે અને મિલના બોઈલર વિભાગમાં મજૂરી કરે છે.
આજે સવારે બુદ્ધવિલાસ જાગ્યા ત્યારે તેમની 9 મહિનાની બાળકી ગૌરી ના દેખાતા તેમણે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ગૌરી રાધિકા પ્રિન્ટિંગ મિલના બોઈલર નજીકની ખુલ્લી ગટરમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.
બુદ્ધવિલાસે જણાવ્યું કે, હું સવારે ઉઠ્યો, ત્યારે ગૌરી અન્ય બાળકો સાથે મોબાઈલ જોવામાં મશગુલ હતી. જેથી હું મારા કામે લાગી ગયો હતો. આ દરમિયાન ગૌરી ઘૂંટણભેર ચાલતી-ચાલતી નજીકમાં આવેલી ગટરમાં પડી ગઈ હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
