Vadodara: જો તમે બેરોજગાર છો અથવા તો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. વડોદરા શહેરના એક યુવકે આર્થિક તંગી દૂર કરવા સોશિયલ મીડિયાનો માર્ગ અપનાવ્યો અને સાયબર માફિયાઓનો શિકાર બની ગયો હતો. જે બાદ યુવકની ફરિયાદના આધારે સાયબર સેલે આરોપીઓને દબોચી મોટા સાયબર અપરાધીઓની ટોળકીના નેટવર્કનો પર્દાફાસ કર્યો છે.
વડોદરા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને ઓનલાઇન પૈસા કમાવવાની લાલચ જાગી હતી. આથી તે સોશિયલ મીડિયા મારફતે એક ગ્રુપમાં જોડાયો હતો.જેમાં શેર માર્કેટમાં રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. જે બાદ બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં તો ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમા નફો બતાવ્યો હતો, તેથી યુવાન વિશ્વાસમાં આવી ગયો હતો અને સાયબર માફીયાઓએ આ યુવાન પાસેથી વધુ રોકાણ કરાવ્યું હતું અને એપ્લીકેશનમાં IPO એલોટમેન્ટ થઈ ગયો છે તેમ દર્શાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો
આમ અલગ-અલગ કંપનીના શેર ખરીદવા તેમજ IPOમાં રોકાણના બહાને કુલ 15,70,001 રૂપિયા જુદા-જુદા બેંક એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા. જે પૈકી 2 લાખ રૂપિયા યુવાનના બેંક ખાતામાં પરત જમા કરાવી વિશ્વાસમાં લીધો હતો અને બાકીના નાણા પરત કર્યા નહોતા અને યુવક સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. રૂ. 13,70,001 રૂપિયાની નાણાંકીય છેતરપિંડી થતા ભોગ બનનાર યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવકની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઈમે શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતી ગેંગની શોધખોળ શરૂ કરી હતી.પોલીસે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને લોકો સાથે ઠગાઇ કરતી ટોળકીના 2 આરોપીની દિલ્હી તથા વડોદરામાંથી ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન દિલ્હીથી પકડાયેલા આરોપીના લેપટોપમાંથી 700 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શન અંગેની વિગતો મળી છે. આ ટોળકી સામે દેશભરમાં 79 ઓનલાઈન ફરિયાદો થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ ટોળકી સામે કરોડો નહીં પણ અબજો રૂપિયાનું સાયબર ફ્રોડ સામે આવી શકે છે.
આ કેસમાં અગાઉ 4 આરોપી દિલ્હીથી પકડાયા હતા.અભીષેક સુભાષચંદ્ર ગર્ગ (રહે. પ્રીતમપુરા, દિલ્હી) એ પોતાના સહઆરોપી સાથે મળીને ફ્રોડની રકમ જે ખાતામાં જમા થતી તે બેંક ખાતુ ફ્રિઝ થતા જે - તે ફરિયાદીને લોભ લાલચ આપી સમાધાન કરી ચાલુ તપાસમાં નુકસાન પહોચાડવાનું કામ કરતો હતો તથા તપાસ કરનાર એજન્સી વિરુદ્ધ ખોટી અરજી કરવાનું કામ કરતો હતો. આરોપી તેમજ સદર ગુનામા અગાઉ પકડાયેલ આરોપીઓ દ્વારા ઇમેલ આઇડીનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપી ઈન્દર પાસેથી મળી આવેલ લેપટોપમાં 700થી વધુ શંકાસ્પદ બેંક એકાઉંટ ટ્રાંઝેકશન અંગેની વિગતો મળી આવી છે, જે અંગે હાલ તપાસ ચાલુ છે. આ ગુનામા અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસના લાખ પ્રયત્નો છતાં સાયબર માફીયાઓ કોઈ ને કોઈ રીતે નિર્દોષ નાગરિકોને પોતાનો શિકાર બનાવતા હોય છે, ત્યારે આ સાયબર માફીયાઓથી રક્ષણ મેળવવા સાયબર સેલે કેટલીક સેફ્ટી ટિપ્સ પણ જાહેર કરી છે જેમાં સોશિયલ મીડિયા મારફતે રોકાણ કરીને નફો કમાવવાના આવતા મેસેજ અથવા ફોનની પૂરતી વ્યકિતગત ચકાસણી કરીને જ નાણાંકીય વ્યવહારોથી દૂર રહેવું.
ફેસબુક, ઇન્સટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર શેરમાર્કેટ અંગેની લોભામણી એડસની ખરાઇ કરીને જ આગળ વધવુ. કોઈપણ લેભાગું વ્યક્તિને તમારા વ્યક્તિગત દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટોગ્રાફ પૂરતી ચકાસણી કર્યા વગર આપવા નહીં. પોતાનું બેન્ક ખાતું કે સીમકાર્ડ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જોઈએ નહીં. જો કોઈપણ સાઇબર ક્રાઈમના ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમનો સંપર્ક કરો અથવા હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી મદદ માટે જણાવવામાં આવ્યું છે.
