Vadodara: શહેરના ખોડીયારનગર વિસ્તારમાં એક વિદ્યાર્થિનીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મવાલી યુવક વિદ્યાર્થિનીનો પીછો કરી તેને હેરાન-પરેશાન કરતો હતો. આખરે વિદ્યાર્થિનીએ ઘરે વાત કરતા માતા સહિતના પરિવારજનોએ રોમિયોને પકડી મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો છે.
સતત પીછો કરતાં યુવકથી ડરી ગયેલી વિદ્યાર્થિનીએ માતાને વાત કરી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી એક યુવક સતત આ વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો અને તેને અવારનવાર હેરાન કરી માનસિક તણાવ આપી રહ્યો હતો. યુવતી સતત ડર અને ભયના ઓથાર હેઠળ જીવી રહી હતી. આખરે કંટાળેલી વિદ્યાર્થિનીએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરી હતી. પરિવારજનોએ દીકરીની વાત સાંભળીને રોષે ભરાયા હતા અને યુવકને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કર્યું હતું.
રિક્ષાની રાહ જોતી વિદ્યાર્થિનીને આંખ મારીને કહ્યું- 'ચાલ તને છોડી દઉ'
પીડિત વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું કે, મારી દીકરી કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી, ત્યારે આ યુવક પીછો કરતો હતો. મારી દીકરી રિક્ષાની રાહ જોતી હોય, તો આંખ મારીને કહે કે, 'ચાલ તને છોડી દઉં'. મારી દીકરી રિક્ષામાં બેસી ઘરે આવે, તો પણ પીછો છોડતો નહતો અને ગેટ સુધી આવી જતો હતો.
આજે ફરી જ્યારે તે યુવક વિદ્યાર્થિનીનો પીછો કરી રહ્યો હતો, ત્યારે પરિવારજનોએ તેને ચાર રસ્તા પાસે જ ઘેરી લીધો હતો અને ઝડપી પાડ્યો હતો. આ સમયે રોષે ભરાયેલા પરિવારજનોએ જાહેરમાં જ યુવકને 'મેથીપાક' ચખાડ્યો હતો. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ ઘટના બાદ પરિવારજનોએ કાયદો હાથમાં લેવાને બદલે સમજદારી દાખવીને યુવકને પકડી બાપોદ પોલીસને સોંપી દીધો હતો. બાપોદ પોલીસે તાત્કાલિક અસરથી યુવકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે યુવકની સઘન પૂછપરછ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
