Royal School Student molested: વડોદરા શહેરના આજવા રોડ નજીક આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ-8 ની વિદ્યાર્થિની સાથે છેડતીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ શરમજનક ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીના વાલી દ્વારા આ છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે છેડતી
પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો એક વ્યક્તિ છેલ્લા એક અઠવાડિયાથી સતત પીછો કરતો હતો. શાળાના જ અન્ય એક વિદ્યાર્થીના વાલી દ્વારા આ છેડતી કરવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીના જણાવ્યા મુજબ, આરોપી વ્યક્તિ વારંવાર તેની પાછળ ફરતો અને અયોગ્ય વર્તન કરતો હતો.
હિંમત દાખવીને વિદ્યાર્થિનીએ કરી ફરિયાદ
આ સમગ્ર બનાવથી વિદ્યાર્થિની ભયભીત બની ગઈ હતી. આખરે વિદ્યાર્થિનીએ હિંમત કરીને સમગ્ર ઘટના પોતાના વાલી તેમજ શાળાના શિક્ષકોને જણાવી હતી. ત્યારબાદ આ મામલે શાળાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા શાળા સંચાલન દ્વારા પણ મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ આરોપીને ઢોર માર માર્યો
આ તપાસ અને ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન છેડતીનો આક્ષેપ જેના પર હતો તે વ્યક્તિ શાળા નજીક જોવા મળતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને પકડી લઈને સ્કૂલની બહાર જ માર માર્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: હળાહળ કળયુગ…વડોદરામાં દાદાએ 7 વર્ષની પૌત્રી પર દાનત બગાડી, રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યાં
સુરક્ષા અંગે ઉઠ્યા સવાલો
સ્થાનિક લોકો અને વાલીઓનું કહેવું છે કે, શાળાની આસપાસ સુરક્ષાની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફરી ન બને. આ બનાવ બાદ શાળા સંચાલન પણ સતર્ક બન્યું છે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે વધુ પગલાં ભરવાની વાત કરી છે.
પોલીસ ફરિયાદની શક્યતા
હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે તેવી માહિતી મળી રહી છે. આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
