Vadodara: શિનોર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને બાધા વાળવાનું કહી એક હવસખોરે પોતાની પત્ની તરીકેના સંબંધ બાંધવા પડશે નહીં તો તારા પતિને જાદુટોણાથી મારી નાખીશ કહી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
હકીકતમાં શિનોર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને ત્યાં માંજરોલ ગામનો જયદીપ કાળુ ઉર્ફે કાંતિ પાટણવાડિયા ગત 17 નવેમ્બરના રોજ સવારે આવ્યો હતો. આ સમયે પરિણીતા પોતાના ઘરે એકલી હતી, જ્યારે તેના પતિ અને સાસુ કામ માટે બહાર ગયા હતા.
આ દરમિયાન જયદીપે પરિણીતાને કહ્યું હતું કે, તમારી બાધા વાળવાનું છે. જેથી પરિણીતાએ કહ્યું હતું કે, બાધા અંગે મને ખબર ન પડે એટલે મારા પતિ અને સાસુ આવે ત્યારે આવજો.
જોકે જયદીપ પરણીતાની વાત સંભાળ્યા વગર જ ઘરમાં ઘુસી આવ્યો હતો અને દરવાજો બંધ કરી પરિણીતાને કહ્યું હતું કે, આપણે પતિ પત્નીના સંબંધ બાંધવા પડશે. જો તું મારી સાથે પત્ની તરીકેના સંબંધ નહીં બાંધે, તો તારા પતિને જાદુ ટોણા મેલીવિદ્યા કરીને મારી નાખીશ અને તને સમાજમાં બદનામ કરી નાખીશ. આમ છતાં પરિણીતાએ દ્રઢપણે ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા જયદીપ એ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને પતિને મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.
જે બાદ પણ હવસખોર લાગ જોઈને પરણિતાના ઘરે એકલી હોય ત્યારે આવી જતો અને તેના પતિને જાદુ-ટોણા કરી મારી નાખવાની ધમકી આપી વારંવાર પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો. સમાજમાં બદનામ થવાની બીકે પરણિતા દ્વારા આ અંગે કોઈને જાણ કરવામાં આવી નહતી. જો કે હવસખોરનો ત્રાસ વધી જતાં પરણિતાએ હિંમત દાખવી જયદીપ વિરુદ્ધ શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણતાની ફરિયાદના આધારે હવસખોર જયદીપને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
