Kutch: ભૂજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજી તરફ જેલ કમ્પાઉન્ડમાં રહેલા વાહનોમાં એક પછી એક બ્લાસ્ટ થતાં સ્થાનિકોમાં દહેશત ફેલાઈ છે.
ભૂજ સ્થિત જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બીજી તરફ પોલીસે પણ ઘટના સ્થળે હાજર રહીને સ્થિતિને નિયંત્રણ લેવામાં મદદરૂપ થઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ સમયે કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં વાહનો રાખવામાં આવ્યા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધાર કર્યું હતુ. આગની ચપેટમાં એક પછી એક આવી રહેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે દૂર-દૂર સુધી બ્લાસ્ટ થવાના અવાજો સંભળાયા હતા. જેના પરિણામે આસપાસના લોકોમાં વધુ ભય ફેલાયો હતો.
આ ઘટના આ ઘટના ભૂજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે, આગના કારણે વાહનોને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે.
