Vadodara: શહેરમાં મહાનગરપાલિકાની આગામી સમયમાં આવનારી ચૂંટણીનો રાજકીય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. વડોદરાના રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ચર્ચિત 'પત્રિકા કાંડ' બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા અલ્પેશ લીંબચિયાનો આજે વિધિવત રીતે ભાજપમાં પુનઃ પ્રવેશ થયો છે.
આ પણ વાંચો
કેસરીયો ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત
વોર્ડ નંબર 19ના પૂર્વ કાઉન્સિલર અલ્પેશ લીંબચિયાએ આજે ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ફરી કેસરીયો ધારણ કર્યો હતો. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.જયપ્રકાશ સોનીના હસ્તે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ હાજર રહ્યા હતા, જેનાથી વોર્ડ નંબર 19 અને આસપાસના વિસ્તારોમાં ભાજપનું જોર વધ્યું હોવાનું મનાય છે.
શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા
થોડા સમય પહેલા વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ અને પક્ષના જ ઉચ્ચ નેતાઓ વિરુદ્ધ બદનામી કરતી પત્રિકાઓ વહેંચવાનો મામલો ખૂબ ગાજ્યો હતો. આ 'પત્રિકા કાંડ'માં અલ્પેશ લિમ્બાચિયાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવ્યું હતું. પક્ષની શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, તેમના સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા જ તેમની ઘરવાપસીએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.
ચૂંટણી પહેલાના બદલાતા સમીકરણો
પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અલ્પેશ લીંબચિયાનો પ્રવેશ ભાજપ માટે વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. હકીકતમાં વોર્ડ નંબર 19માં અલ્પેશ લિમ્બાચિયા મજબૂત જનાધાર ધરાવે છે. એવામાં અલ્પેશ લિમ્બાચિયાને અન્ય પાર્ટીમાં જોડાતા અટકાવવા તેમજ જૂથવાદને ડામવા માટે મોવડી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
