Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સુરતમાં રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયા અને તેમના પત્ની એડવોકેટ મોનાલી હીરપરાને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી હતી, જેના પર હવે મોનાલી હીરપરાએ પોતે જ સ્પષ્ટતા કરી દીધી છે.
હકીકતમાં સુરતમાં પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમની પત્ની એડવોકેટ મોનાલી હીરપરાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હોવાની વાત સામે આવી હતી. જો કે આ મામલે મોનાલી હીરપરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે કે, તેઓએ કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી નથી.
તાજેતરમાં જ સુરતમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, ત્યારે પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ વોર્ડ નંબર 2માંથી ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ તેમની પત્ની એડવોકેટ મોનાલી હીરપરા જેઓ અગાઉ આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હોવાની ચર્ચાઓ ઉઠી હતી. જો કે આ ચર્ચાઓ વચ્ચે ખુદ એડવોકેટ મોનાલી હીરપરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સ્પષ્ટ કર્યું છે કે, તેમણે કોઈ પણ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી નથી.
હું મારા વકીલાતના વ્યવસાયમાં આગળ વધવા માંગુ છું: મોનાલી હીરપરા
સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં મોનાલી હીરપરાએ મતદાતાઓને સંબોધીને જણાવ્યું કે, 2011માં કોર્પોરેશનની ચૂંટણીથી મેં મારી રાજકીય સફરની શરૂઆત કરી હતી. મને કોઈ રાજકીય અનુભવ નહતો, પરંતુ આપ સૌના સ્નેહ અને સાથ-સહકારથી મને ઘણું બધુ શીખવા, જાણવા અને અનુભવવા મળ્યું છે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં હું મારી પારિવારિક જવાબદારીઓની સાથે-સાથે સમય મળશે તો સામાજિક તેમજ મારા વકીલાતના વ્યવસાયમાં મારી કારકિર્દી આગળ વધારવા માંગુ છે. મેં 2026ની કોર્પોરેશન ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી નથી.
