ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીઃ કોંગ્રેસે અનુભવી ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા, ભાજપના હર્ષદ પરમાર સામે જામશે જંગ

ક્ષત્રિયોનું વર્ચસ્વ ધરાવતી ઉમરેઠ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું ગત 6 માર્ચે અવસાન થયા બાદ બેઠક ખાલી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Apr 2026 08:56 PM (IST)Updated: Fri, 03 Apr 2026 08:56 PM (IST)
anand-news-congress-picks-bhrugurajsinh-chauhan-for-umreth-bypoll
HIGHLIGHTS
  • આગામી 23 એપ્રિલના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે, 4 મેના પરિણામ
  • ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્યના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ અપાઈ

Anand: આણંદ જિલ્લાની ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર આગામી 23 એપ્રિલના રોજ ચૂંટણી (Umreth Bypolls) થવાની છે, ત્યારે ભાજપ દ્વારા આ બેઠક પર હર્ષદ પરમાર પર પસંદગી ઉતારી છે. જેમની સામે કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.

62 વર્ષીય ભૃગુરાજસિંહ ચૌહાણ મજબૂત શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા અને તાલુકા પંચાયત થી લઈને પ્રદેશ સ્તર સુધીનો બહોળો વહીવટી અને સંગઠનાત્મક અનુભવ ધરાવે છે. ભૃગુરાજસિંહ 2000થી 2015 એમ સતત 15 વર્ષ સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે. જ્યારે છેલ્લા એક વર્ષથી તો ગુજરાત કોંગ્રેસમાં સેન્ટ્રલ ઝોનના કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યા છે.

આ સિવાય ભૃગુરાજસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતની નડિયાદ, મહુધા, ઠાસરા, ગલતેશ્વર અને કરજણ જેવી વિવિધ વિધાનસભા બેઠકો પર ઈન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે.

પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે ચૂંટણીનો જંગ જામશે

જણાવી દઈએ કે, ઉમરેઠ વિધાનસભા સતત 3 ટર્મથી ભાજપનો ગઢ ગણાય છે. 2017થી આ બેઠક પર ભાજપના ગોવિંદ પરમાર ચૂંટણી જીતતા આવ્યા છે. જો કે ગત 6 માર્ચના રોજ ગોવિંદ પરમારનું અવસાન થતાં ખાલી પડેલી આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેના માટે ભાજપ દ્વારા આ બેઠક માટે સ્વ. ગોવિદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર પસંદગી ઉતારવામાં આવી છે. હર્ષદ પરમાર પણ યુવા ક્ષત્રિય આગેવાન હોવાની સાથે-સાથે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે ઓળખ ધરાવે છે.