Vadodara: સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ, પગમાં ફ્રેક્ચર છતાં પહેલા માળની બારીમાંથી કૂદી પડ્યો

5 નવેમ્બરના રોજ કારે બાઈકને ઠોકર મારતા દયાનંદ પવાર ફંગોળાઈને નીચે પટકાતા પગ ભાંગી ગયો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 03:55 PM (IST)Updated: Sat, 08 Nov 2025 03:55 PM (IST)
vadodara-news-patients-attampt-suicide-by-jump-from-first-floor
HIGHLIGHTS
  • વોર્ડમાં દાખલ દર્દીના સગા અને સ્ટાફમાં દોડધામ
  • હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક વોર્ડમાં દાખલ કરી સારવાર આપતા જીવ બચી ગયો

Vadodara: વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ આજે વહેલી સવારે પહેલા માળેથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી જવા પામી હતી. સદ્દનસીબે દર્દી બચી ગયા હતા. જે બાદ હોસ્પિટલના સ્ટાફે ફરીથી તેમને સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગત 5 નવેમ્બરના રોજ શહેરના ન્યુ VIP રોડ સ્થિત ખોડિયારનગર નજીક આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા દયાનંદ બાબુરાવ પવાર (65) બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા કારના ચાલકે તેમને ઉલાળ્યા હતા.

કારની ટક્કરથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયેલા દયાનંદ પવારનો પગ ભાંગી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પગમાં ફ્રેક્ચર થવાથી હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં સારવાર હેઠળ હતા.

આજે વહેલી સવારે બાબુરાવે સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળે આવેલી બારીમાંથી નીચે ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓના સગાઓ તેમજ હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક દયાનંદને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેતા તેમનો જીવ બચી ગયો છે. હજુ સુધી દયાનંદ પવારે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી. હાલ તો હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.