પાદરા નજીક ગમખ્વાર અકસ્માત: આગળ જતી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સુરતની મહિલાનું મોત, એરબેગ ખુલતા પતિનો ચમત્કારિક બચાવ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના દંપતીમાંથી પત્નીનું મોત થયું, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો. લગ્નમાં જઈ રહેલા આ દંપતીની કાર ટ્રક સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 11:42 PM (IST)Updated: Tue, 18 Aug 2026 11:42 PM (IST)
vadodara-news-padra-accident-wife-dies-husband-saved-on-delhimumbai-expressway
HIGHLIGHTS
  • ભાવનગર ભાણીયાના લગ્નમાં જઈ રહેલા મામીને મોતનો ભેટો થયો

પ્રશાંત ગજ્જર, Vadodara Accident News: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં જઈ રહેલા સુરતના એક દંપતીની કાર આગળ જતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા 40 વર્ષીય પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો ચમત્કારિક બચાવ થયો હતો.


ભાવનગર ભાણીયાના લગ્નમાં જઈ રહેલા મામીને મોતનો ભેટો થયો

સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નરેશભાઈ ધીરુભાઈ કલસરીયાના ભાણીયાના લગ્ન ભાવનગરમાં યોજાવાના હતા. આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નરેશભાઈ પોતાની પત્ની શોભાબેન સાથે સવારના સુમારે પોતાની કાર લઈને સુરતથી ભાવનગર જવા માટે રવાના થયા હતા.

આ દંપતી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પાદરા તાલુકાના સાદડ ગામ નજીક પહોંચ્યા, ત્યારે કાર ચલાવી રહેલા નરેશભાઈને અચાનક તરસ લાગી હતી. ગાડીની સ્પીડમાં હોવાથી અને મુસાફરી દરમિયાન બાજુની સીટ પર આરામ કરી રહેલી તેમની પત્ની શોભાબેન પાસે તેમણે પાણીની બોટલ માંગી હતી.

આ દરમિયાન નરેશભાઈએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કાર આગળ જઈ રહેલી એક ટ્રક સાથે પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગનો મોટો હિસ્સો ભૂકો થઈ ગયો હતો.

આ અકસ્માતમાં કારની બાજુની સીટ પર બેઠેલા શોભાબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ કાર ચલાવી રહેલા નરેશભાઈને એરબેગ અને સીટબેલ્ટની સુરક્ષાને કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી, જેનાથી તેમનો આબાદ બચાવ થયો હતો. લગ્નની ખુશીઓ ઉજવવા માટે નીકળેલા પરિવાર પર ક્ષણભરમાં જ આભ તૂટી પડ્યું હતું અને ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.


આ ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. અકસ્માત અંગે મૃતક મહિલાના પતિ નરેશભાઈ કલસરીયાની ફરિયાદને આધારે પાદરા પોલીસે તેમની વિરુદ્ધ ફેટલ (ઘાતક અકસ્માત) નો ગુનો નોંધીને કાયદેસરની આગળની વધુ તપાસ હાથ ધરી છે.