Vadodara: વડોદરા-આણંદને જોડતો મુજપુરનો નવો ગંભીરા બ્રિજ બનીને તૈયાર, ઓગસ્ટના અંત સુધીમાં વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે

વડોદરા અને આણંદને જોડતો મુજપુર ખાતેનો નવનિર્મિત ગંભીરા બ્રિજ (Mujpur Gambhira Bridge) લોકાર્પણ માટે તૈયાર છે. અંદાજે 200 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ઓગસ્ટના અંત સુધીમાં વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે, જે જૂના બ્રિજ તૂટ્યા બાદ સુરક્ષિત વિકલ્પ પૂરો પાડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 11:01 PM (IST)Updated: Tue, 18 Aug 2026 11:01 PM (IST)
vadodara-news-new-gambhira-bridge-at-mujpur-to-open-soon-for-commuters

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર ખાતે આવેલો નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે લોકાર્પણ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. લાંબા સમયથી આ બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો માટે આ અત્યંત રાહતના સમાચાર છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે 200 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

સ્થાનિક વાહનવ્યવહાર અને બે મહત્વના વિસ્તારોને જોડવા માટે આ બ્રિજ ખૂબ જ મહત્વપૂર્ણ કડી સમાન છે. આ નવા બ્રિજ શરૂ થવાથી મુસાફરોનો સમય અને બળતણ બંનેની મોટી બચત થશે. જો કે બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા લોકાર્પણમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરવામાં આવી રહી નથી. હાલમાં બ્રિજના તમામ જરૂરી સુરક્ષા માપદંડો, ટેક્નિકલ પાસાઓ અને ગુણવત્તા ચકાસણીની કામગીરી ખૂબ જ ઝીણવટપૂર્વક ચાલી રહી છે.


સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ લોડ ટેસ્ટિંગ અને અન્ય ચકાસણી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા મળેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં આ બ્રિજને સામાન્ય જનતા અને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.


એક વર્ષ અગાઉ ગંભીરા બ્રિજ તૂટી પડતા 18 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, અગાઉ 9 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે આણંદ અને વડોદરાને જોડતો મહીસાગર નદી પરનો આશરે 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો. પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક બનેલી આ ગંભીર દુર્ઘટનામાં બ્રિજનો 10 થી 15 મીટર લાંબો સ્લેબ ધડાકાભેર નદીમાં ખાબક્યો હતો. આ ભયાનક અકસ્માતમાં 18થી વધુ નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બ્રિજ તૂટ્યો તે સમયે તેના પરથી પસાર થઈ રહેલા ટ્રક, બોલેરો જીપ અને અન્ય પીકઅપ વાહનો સીધા નીચે મહીસાગર નદીના પ્રવાહમાં પડ્યા હતા. જૂનો બ્રિજ જર્જરિત હોવા છતાં સમયસર યોગ્ય જાળવણીના અભાવે આ મોટી માળખાકીય દુર્ઘટના સર્જાઈ હતી.

આ કરૂણાંતિકા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ત્વરિત પગલાં રૂપે જવાબદાર ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. આ ગંભીર અકસ્માતની યાદો હજુ પણ તાજી છે ત્યારે, જૂના અને જોખમી પુલના સ્થાને તાત્કાલિક ધોરણે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવો મજબૂત બ્રિજ બનાવવાનો નિર્ધાર કરાયો હતો. હવે આ નવો બ્રિજ બનીને તૈયાર છે, જે મુસાફરોની સુરક્ષિત અને આરામદાયક સફર સુનિશ્ચિત કરશે.