વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતાઃ 17 ઘરફોડ ચોરીને અંજામ આપનાર કુખ્યાત ગેંગ ઝડપાઈ, રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 17 ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ગેંગનો મુખ્ય આરોપી સુરતમાં ગુજસીટોક હેઠળ વોન્ટેડ હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 09:38 PM (IST)Updated: Tue, 18 Aug 2026 09:38 PM (IST)
vadodara-crime-branch-busts-notorious-housebreaking-gang-solves-17-theft-cases
HIGHLIGHTS
  • ફાજલપુર ટોલનાકા પાસેથી રૂ. 4.60 લાખના વિદેશી દારૂ સાથે હેડ કોન્સ્ટેબલ ઝબ્બે

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં કુલ 17 જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગુજસીટોક જેવા ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીઓ પણ સકંજામાં આવ્યા છે.

ફતેગંજ વિસ્તારમાંથી આરોપીઓ પકડાયા

આ અંગે મળતી માહિતી મુજબ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ અને વોચમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે ફતેગંજ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં આ ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે તેમની પાસેથી ચોરીનો અંદાજે 11 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ પકડાયેલા શખ્સો લાંબા સમયથી પોલીસને થાપ આપીને અલગ-અલગ સોસાયટીઓમાં બંધ મકાનોને પોતાનું નિશાન બનાવતા હતા.


પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. આ ગેંગના સભ્યો વિરુદ્ધ અગાઉ પણ વડોદરા અને અન્ય જિલ્લાઓમાં કુલ 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગમાં સામેલ મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મચ્છરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે.


આરોપી રોહિત ઉર્ફે મચ્છર સુરત શહેર ખાતે નોંધાયેલા 'ગુજસીટોક' જેવા અત્યંત ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ ફરાર ચાલી રહ્યો હતો. પોલીસ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કે સુરતમાં ગુજસીટોક હેઠળ વોન્ટેડ શખ્સ વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે.

અન્ય વોન્ટેડ આરોપીઓ માટે ચક્રો ગતિમાન

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ અને આ ગુનાઓમાં મદદ કરનારા અન્ય ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા પોલીસની આ સરાહનીય કામગીરીથી શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

ફાજલપુર ટોલનાકા પાસેથી રૂ. 4.60 લાખના વિદેશી દારૂ સાથે હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

દિલ્હી-મુંબઈ ભારતમાળા હાઈવે પર આવેલા ફાજલપુર ટોલનાકા નજીક નંદેસરી પોલીસ સ્ટેશનની ટીમે સુરત તરફથી આવી રહેલી કારને અટકાવીને તેની તલાશી લેતા અંદરથી પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવીને લાવવામાં આવેલો 2,112 વિદેશી દારૂના ક્વાર્ટર (જેની અંદાજિત કિંમત રૂ. 4.60 લાખ) મળી આવ્યા હતા.

જ્યારે કારના ડ્રાઈવરની પૂછપરછ કરતાં તેની ઓળખ સંજય ચુડાસમા તરીકે થઈ છે, જે ડેરોલ રેલવે સ્ટેશન પર હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યો છે. જ્યારે સહઆરોપીની ઓળખ વિક્રમ ઢાપા તરીકે થઈ છે. આ શરાબનો જથ્થો સુરતના લિંબાયત વિસ્તારમાંથી લાવવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો નંદેસરી પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા બાદ તેમને કોર્ટમાં રજૂ કરી સઘન પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.