પ્રશાંત ગજ્જર, Bharuch Liquor Case: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ કેસમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાન દિનેશ વસાવાનું નામ વોન્ટેડ તરીકે સામે આવતા ભાજપના જ વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ નિવેદન આપીને પોલીસની કાર્યવાહીને અભિનંદન પાઠવ્યા છે અને કડક પગલાંની માંગ કરી છે.
ઝઘડિયા ત્રણ રસ્તા નજીક LCBએ પ્લાસ્ટિકના કેરેટની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી કુલ 11,916 નંગ દારૂ-બીયર મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 22.55 લાખથી વધુ થાય છે. ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ. 32.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હતો.
આ કેસમાં ભાજપના આગેવાન દિનેશ વસાવાનું નામ વોન્ટેડ તરીકે ખુલતા સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું કે, "ભરૂચ LCB પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું." તેમણે ઉમેર્યું હતું કે જો દમણથી દારૂ આવવાના કેસમાં તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, તો તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. સાથે જ મોટા બુટલેગરો અને મુખ્ય સૂત્રધાર સુધી તપાસ પહોંચાડવાની માંગ કરી હતી.
સાંસદે આક્ષેપ કર્યો હતો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેટલાક લોકો રાજકીય લાભ માટે ભાજપમાં જોડાયા છે, જેના કારણે પક્ષ બદનામ ન થવો જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ અને પક્ષે આવા તત્વો સામે કડક વલણ અપનાવવું જોઈએ. જોકે, આ સમગ્ર મામલે પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ કથિત ભૂમિકા અંગેની વાસ્તવિક સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
