Ahmedabad: સોલામાં સગીરાને બેભાન કરી ભુવાએ અનેકવાર દુષ્કર્મ આચર્યું, વિધિના બહાને પરિવારને બહાર બેસાડી પુત્રીને હવસનો શિકાર બનાવી

લંપટ ભુવાએ બ્લેકમેઈલ કરવાના ઈરાદે સગીરા પોતાની પત્ની હોય તેવા ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. જેને પગલે ભુવાના કાંડનો પર્દાફાશ થયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 07:10 PM (IST)Updated: Tue, 18 Aug 2026 07:10 PM (IST)
ahmedabad-crime-news-minor-drugged-and-assaulted-multiple-times-by-bhuva-in-sola

Ahmedabad Rape Case: શહેરના સોલા વિસ્તારમાં લંપટ ભુવાએ સગીરાને મેલી વિદ્યામાંથી મુક્ત કરવાના બહાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુવાએ પોતાની સગીરા સાથેની અંગત પળોની તસવીરો વાયરલ કરી દેતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા ભુવાની ધરપકડ કરવામાં આવી છે.

વિધિ કરવાના બહાને સગીરાના ઘરે જ અનેક વખત શારીરિક સબંધ બાંધ્યા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક પરિવારની દીકરી બીમાર રહેતી હોવાથી તેને સાજી કરવા માટે તેમણે ચંદ્રેશ પંચાલ નામના ભુવા પર વિશ્વાસ મૂકીને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં આ ભુવો પરિવારના સભ્યોને રૂમની બહાર બેસાડી રાખતો અને સગીરાને અંદર વિધિ કરવા લઈ જતો હતો.

જે બાદ ભુવો ઘેની પદાર્થ પીવડાવતા સગીરા અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જતાં તેની હાલતનો ગેરલાભ ઉઠાવીને શારીરિક સબંધ બાંધ્યો હતો. જે બાદ પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને પોતાના પરનો વિશ્વાસનો લાભ લઈને ભુવો અવારનવાર અલગ-અલગ વિધિ કરવાના નામે સગીરાને પોતાના ઘરે લઈ જતો હતો. જ્યાં કેફી પીણું પીવડાવીને સગીરાનું શોષણ કરતો હતો.


સગીરા સાથેની પોતાની તસવીરો વાયરલ કરતાં પરિવારજનો ચોંક્યા

વધુમાં ભુવા ચંદ્રેશ પંચાલે બ્લેકમેઈલ કરવાના ઈરાદે પોતાની સગીરા સાથેની કેટલાક ફોટા પાડી લીધા હતા, જે તેણે વોટ્સએપ પર વાયરલ કરી દીધા હતા. દીકરીની ભુવા સાથેની તસવીરો જોઈને પરિવારજનોના પગતળેથી જમીન સરકી ગઈ હતી. આખરે તેમણે દીકરીની પૂછપરછ કરતાં તેણે સમગ્ર આપવીતી જણાવી હતી.

હાલ તો આ મામલે પીડિત સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે સોલા પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપી ભુવા ચંદ્રેશ પંચાલની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આરોપી ચંદ્રેશ ભુવો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સોલા, ઘાટલોડિયા, રામોલ અને માંડલ સહિતના પોલીસ મથકમાં ચંદ્રેશ પંચાલ વિરુદ્ધ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે.