Navsari News: ધોલાઈ બંદરથી વલસાડ તરફ 2.5 નોટિકલ માઈલ દૂર બોટ દરિયામાં ફસાઈ હતી, જેમાં 9 માછીમારો સવાર હતા. બોટ ડૂબવાનો કોલ મળતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જે બાદ બોટમાં સવાર તમામ 9 માછીમારોનું સફળતાપૂર્વક એરલિફ્ટ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ધોલાઈ બંદર નજીક મધદરિયે એક ફિશિંગ બોટ ફસાઈ જવાની ગંભીર ઘટના સામે આવી હતી. બોટમાં 9 ખલાસીઓ સવાર હતા.
સવારે દરિયામાં નીકળેલી બોટનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. જે બાદ બોટમાં પાણી ભરાવા લાગતાં માછીમારોએ ઈમરજન્સી રેસ્ક્યૂ કોલ કર્યો હતો. બોટ ડૂબવાનો કોલ મળતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું
NDRF દ્વારા રેસ્ક્યુના પ્રયાસો કરાયા પરંતુ ડૂબી રહેલી બોટમાંથી રેસ્ક્યુ મુશ્કેલ બનતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની રજૂઆત બાદ કોસ્ટગાર્ડ દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું બોટમાં સવાર તમામ 9 માછીમારોનું સફળતાપૂર્વક એરલિફ્ટ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રેસ્ક્યુ કરાયેલા તમામ માછીમારોને વલસાડના દાંતી અને ભાગડા દરિયાકિનારે સુરક્ષિત રીતે ઉતારી લેવાયા છે. તમામ 9 માછીમારો સુરક્ષિત છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બોટ મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે.
