Vadodara: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી ગામે સગીરાએ પોતાના પ્રેમી સાથે મળી પિતાની હત્યા કરવાના ચકચારી કેસમાં પોલીસે ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરીને વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે અંતર્ગત પોલીસે મુખ્ય આરોપી તેમજ સહ–આરોપીને ઘટનાસ્થળે લાવીને આરોપીઓએ હત્યાને અંજામ આપ્યા પહેલા દરમિયાન અને બાદમાં શું કર્યું તે તમામ બાબતની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે.
મૃતક પિતાની પોતાની જ સગીર વયની દીકરીના પ્રેમસંબંધોને લઈને કડક વલણને પગલે ઘરમાં અવારનવાર ઝઘડો થતો હતો. આ પરિસ્થિતિ વચ્ચે દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પિતાની હત્યા કરવાનું કાવતરું ઘડી નાંખ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો કર્યો કે, ઘટનાના દિવસે સગીરાએ પોતાના પિતાને રાત્રિ ભોજનમાં ઊંઘની ગોળીઓ આપેલી. ગોળીઓની અસરથી મૃતક બેભાન થયા બાદ આરોપી પ્રેમી ઘરમાં આવ્યો અને ચપ્પુ વડે નિર્દયતાથી હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો
પોલીસે આરોપીને ઘટનાસ્થળથી લઈ મૃતકના ઘર સુધીની તમામ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું. આરોપીએ ક્યા રસ્તે ચાલીને ઘરમાં પ્રવેશ કર્યો, ડર ન લાગે તે માટે આગળ–પાછળ શું તૈયારી કરી, હુમલો કરતા પહેલા શું યોજ્યું અને ઘટનાના બાદ કઈ રીતે ભાગ્યો, આ તમામ મુદ્દાઓ તપાસ ટીમે રી-કન્સ્ટ્રક્શન દ્વારા સાબિત કર્યા.
પોલીસે વધુમાં જણાવ્યું કે હત્યામાં વપરાયેલ ચપ્પુ આરોપીએ ઘરેથી થોડા અંતરે આવેલા ઝાડીઓ વિસ્તારમાં છુપાવ્યું હતું. આ સ્થળ પણ આરોપીના જણાવ્યા મુજબ પોલીસ સમક્ષ ખુલાસા સાથે રજૂ કરાયું છે અને હથિયાર જપ્ત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ ટીમ, ફોરેન્સિક નિષ્ણાતો અને ડોગ સ્ક્વાડ હાજર રહ્યા હતા. રી-કન્સ્ટ્રક્શન દ્વારા તપાસને વધુ મજબુતી મળતાં કેસમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આરોપીઓ વચ્ચે અગાઉથી થયેલી વાતચીત, હથિયાર ખરીદી, ઘટના પૂર્વે મોબાઈલ લોકેશન અને કોલ વિગતો તપાસ તબક્કે મહત્વની સાબિત થઈ રહી છે.
પોલીસ મુજબ, દીકરી દ્વારા પિતાને ઊંઘની ગોળી આપવાનો ખુલાસો કેસમાં અત્યંત મહત્વનો ભાગ છે. આ ગુનામાં સગીરાને કાયદેસરની કાર્યવાહી હેઠળ લેવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તપાસ તંત્ર હાલ ડિજિટલ પુરાવા, CCTV ફૂટેજ તેમજ ફોરેન્સિક રીપોર્ટ આધારિત આગળની કાર્યવાહીમાં લાગી ગયું છે. આ સમગ્ર કેસથી મહલી ગામ સહિત વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
