વડોદરાના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર અટકાવવા માસ્ટરપ્લાન, હાઈવેના ચાર જંકશનો પર નવી વરસાદી ગટર યોજના

વાઘોડિયા જંકશનના રસ્તાના બંધથી ટ્રાફિકમાં તાત્કાલિક ખલેલ સર્જાવાની સંભાવના છે. જોકે, કામ પૂરું થયા બાદ વાહન વ્યવહાર ફરી સામાન્ય બનાવી દેવામાં આવશે

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 21 Dec 2025 12:23 PM (IST)Updated: Sun 21 Dec 2025 12:23 PM (IST)
vadodara-gets-major-waterlogging-relief-new-storm-drain-plan-at-four-highway-junctions-659317

Vadodara News: વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં દર ચોમાસે ઉભા થતા જળબંબાકારથી નાગરિકોને થતી મુશ્કેલીને અંત આપવાના હેતુથી મહાનગર પાલિકાએ એક વિશાળ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શહેરને નેશનલ હાઈવે સાથે જોડતા મુખ્ય જંકશનો ગોલ્ડન, આજવા, કપુરાઈ અને તરસાલી ખાતે નવી વરસાદી ગટર વ્યવસ્થા માટે તબક્કાવાર કામગીરી હાથ ધરી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ, પૂર્વ વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યામાંથી નાગરિકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત થઇ રહી છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત, આજ થી વાઘોડિયા જંકશન ખાતે નવનિર્મિત બોક્સ કલ્વર્ટ નાખવાનું કામ શરૂ થશે. આ કામગીરી દરમ્યાન, સમગ્ર રસ્તો આગામી 10 દિવસ સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પાલિકાની ડ્રેનેજ તથા વરસાદી ગટર વિભાગના જણાવ્યા અનુસાર આ કામગીરી અત્યંત ટેક્નિકલ અને વિશાળ પાયે હોવાથી મોટી મશીનરી, ક્રેન્સ અને મજૂરોને સતત કાર્ય માટે મૂકાશે. ભારે સાધનો તથા કામની જટિલતાને ધ્યાનમાં રાખીને, સુરક્ષાના હેતુસર રસ્તો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વાઘોડિયા જંકશનના રસ્તાના બંધથી ટ્રાફિકમાં તાત્કાલિક ખલેલ સર્જાવાની સંભાવના છે. જોકે, કામ પૂરું થયા બાદ વાહન વ્યવહાર ફરી સામાન્ય બનાવી દેવામાં આવશે. પ્રોજેક્ટ અધિકારીઓ મુજબ, વાઘોડિયા જંકશનનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય પછી તંત્રનું ધ્યાન બાકીના ત્રણ મોટા જંકશનો તરફ વળશે. આજવા, ગોલ્ડન અને કપુરાઈ જંકશનો પર પણ તબક્કાવાર રીતે નવી વરસાદી ગટર નાખવાના કામ હાથ ધરાશે.

તંત્ર મુજબ, આ ચારેય જંકશનો વડોદરાના પૂર્વ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો છે અને ચોમાસાની સિઝનમાં આ વિસ્તારમાં ભારે પાણી ભરાવાની પરિસ્થિતિ ઉભી થતી હતી. પરિણામે, હાઈવે પર ટ્રાફિક જામ, અકસ્માતો અને આસપાસની સોસાયટીઓમાં પાણી પ્રવેશવા જેવી સમસ્યાઓ વારંવાર સર્જાતી હતી. નવા ગટર નેટવર્કની સ્થાપના બાદ આ સમસ્યાઓમાંથી મોટાપાયે મુક્તિ મળવાની આશા છે. શહેરના નવી માળખાકીય વિકાસ હેઠળ ચાલી રહેલા આ પ્રોજેક્ટને નાગરિકો પણ આવકારી રહ્યા છે અને આવનારા ચોમાસામાં લાભ જોવા મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઇ રહી છે.