Surat: સશક્ત મહિલા દ્વારા જ સશક્ત પરિવાર અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે, ત્યારે મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે અમલી બનાવેલી મિશન મંગલમ યોજના (Mission Mangalam Goverment Scheme) આજે ગામડાંની બહેનો માટે આશાની નવી કિરણ બની છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામતળાવખુર્દ ગામનું શિવશક્તિ સખી મંડળ આવું જ એક આદર્શ સખી મંડળ છે. સરકારની સહાય અને બહેનોના સામૂહિક પ્રયાસોથી આ મંડળની બહેનો લખપતિ દીદીઓ બનીને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરૂ પાડી રહી છે.
વર્ષ 2010માં માત્ર રૂ.50ની નાની બચતથી શરૂ થયેલું શિવશક્તિ સખી મંડળે સ્વચ્છતા, રોજગાર અને ઊર્જાનો ત્રિવેણી સંગમ રચ્યો છે. ગામને સ્વચ્છ અને સુઘડ બનાવવા તાલુકા પંચાયતના સહકારથી 72 શૌચાલય બનાવ્યા છે. 21 બહેનોને પશુપાલન અને ગોબર ગેસ પ્લાન્ટની તાલીમ આપી છે. મંડળના પ્રમુખ શર્મિલાબેન હરસિંહભાઈ ચૌધરીના નેતૃત્વમાં બહેનો એકજૂથ બની આર્થિક પ્રગતિના માર્ગે આગળ વધી છે.
વર્ષ 2014માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મસાલા બનાવવાની તાલીમ પ્રાપ્ત થતાં સખી મંડળે સ્વબચત ભંડોળથી મસાલા ઉદ્યોગની શરૂઆત કરી. જે બાદ સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળને રૂ.7 હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.3 લાખની કેશ ક્રેડિટ અને રૂ.2,500 સ્ટાફફંડની સહાય મળી. આ સહાયના આધારે બહેનોએ મસાલા ઉદ્યોગને વ્યાપક બનાવ્યો.
મસાલા ઉદ્યોગ ઉપરાંત પશુપાલન, ખેતી તથા વર્મિકોમ્પોસ્ટ ખાતરનું ઉત્પાદન શરૂ કર્યું અને હાલ પશુપાલન દ્વારા એક દિવસમાં 16 લીટર જેટલું દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે, જેના કારણે બહેનોને વધારાની આવક મળી રહી છે. મંડળે અત્યાર સુધીમાં 40થી વધુ શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે, જેમાં એક મહત્વપૂર્ણ એવોર્ડ રાજ્યપાલશ્રીના હસ્તે પણ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શિવશક્તિ સખી મંડળ દ્વારા સંચાલિત મસાલા ઉદ્યોગથી વાર્ષિક રૂ.19 લાખનું ટર્નઓવર થઈ રહ્યું છે. જ્યારે પશુપાલન પ્રવૃત્તિથી વર્ષનું રૂ.3 લાખ તથા ખેતી અને વર્મીકોમ્પોસ્ટ ખાતર ઉત્પાદનથી રૂ.5 લાખ જેટલું ટર્નઓવર થતા બહેનોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બહુવિધ સ્વરોજગારી મોડેલ આજે અન્ય ગામોની મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.
સખી મંડળના પ્રમુખ શર્મિલાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે,“છેવાડાના આદિવાસી ગામમાં રહેતી આદિવાસી બહેનો અગાઉ ઘરકામ પૂરતી જ સીમિત હતી. પરંતુ સરકારની મિશન મંગલમ યોજનાએ અમને આત્મવિશ્વાસ આપ્યો. આજે અમે મસાલા ઉદ્યોગ, પશુપાલન અને ખેતી દ્વારા ઓળખ બનાવી છે.

અમે મસાલાઓમાં ગરમ મસાલો, પુલાવ મસાલો, ચાનો મસાલો, છાસ મસાલો, દાળ-શાકના મસાલો, અથાણાંના સંભારનો મસાલો, છોલે મસાલો, ચાટ મસાલો, લાલ મરચું, ધાણાજીરૂ પાવડર, લસણનો મસાલો, નાગલીના પાપડનો પાવડર સહિત 18 પ્રકારના મસાલાઓ બનાવીએ છીએ.સખી મંડળ થકી ઘરઆંગણે રોજગારી મળતા આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની છે,એ જ અમારી સૌથી મોટી સફળતા છે.”
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના સહયોગથી દેશના તમામ રાજ્યોમાં અમારી બહેનોએ સફર કરી ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. દર વર્ષે 8 થી 9 સરકારી વેચાણ મેળાઓમાં ભાગ વેચાણ કરીએ છીએ. બહેનોના સતત પરિશ્રમ અને સફળતાને ધ્યાને લઈ સખી મંડળને સરકારનું “લખપતિ દીદી”નું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે.

આમ, મસાલા ઉદ્યોગથી પશુપાલન અને વર્મિકોમ્પોસ્ટ સુધી નાનકડા ગામની મહેનતુ બહેનોએ સ્વરોજગારીનું પ્રેરક મોડેલ ઉભું કર્યું છે. શર્મિલાબેન ચૌધરીએ માત્ર પોતાનું સખી મંડળ સશક્ત બનાવ્યું એટલું જ નહીં, પરંતુ ગામની અંદાજે 110 જેટલી બહેનોને 10-10ના જૂથમાં જોડીને નવા સખી મંડળોની રચના કરાવી છે.
પર્યાવરણ, પશુપાલન અને ઊર્જા બચત તરફ પગલું
મંડળે ગામની 21 બહેનો પાસે ગાયની ખરીદી કરાવી પશુપાલનની પ્રેરણા આપી છે. વનવિભાગના સહયોગથી ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરી છે, જેના કારણે પર્યાવરણ સંરક્ષણ સાથે સ્વચ્છ ઊર્જાનો લાભ પણ ગામને મળી રહ્યો છે. આમ, આ મંડળે ગામની મહિલાઓને જોડીને તેમને આર્થિક, સામાજિક અને આત્મસન્માનની દિશામાં સશક્ત બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. શર્મિલાબેન સરકાર દ્વારા યોજાતા વિવિધ જિલ્લાઓના વેચાણ મેળાઓમાં ભાગ લઈ સ્વઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે.
શિવશક્તિ સખી મંડળે ગામમાં નિભાવી સામાજિક જવાબદારી
શિવશક્તિ સખી મંડળે ગામતળાવખુર્દમાં મહિલા સશક્તિકરણની સાથે ગ્રામ વિકાસને વેગ આપવાના પણ પ્રયાસો કર્યા છે. સખી મંડળના પ્રયાસોથી ૧૧૦થી વધુ બહેનો સ્વરોજગારી સાથે જોડાઈને સ્વાવલંબી બની છે. ગામમાં 72 શૌચાલયનું નિર્માણ, 21 બહેનોને પશુપાલન વ્યવસાય સાથે જોડાણ તથા ગોબર ગેસ પ્લાન્ટની સ્થાપના કરી છે, જેના કારણે આ મંડળ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
