પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીના એક ખાલી વર્ગખંડમાંથી એક પછી એક એમ બે અલગ-અલગ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના અશ્લીલ ચેનચાળા કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આર્ટ્સ ફેકલ્ટીના એક ખાલી ક્લાસરૂમમાં યુગલ અશ્લીલ હરકતો કરી રહ્યું હતું. આ દરમિયાન પાછળ બેઠેલા કોઈ અજાણ્યા શખ્સે પોતાના મોબાઈલ કેમેરામાં આ આખી ઘટના કેદ કરી લીધી હતી અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વહેતી કરી દીધી હતી. શૈક્ષણિક ધામ ગણાતી યુનિવર્સિટીમાં આ પ્રકારના કૃત્યો વારંવાર સામે આવતા કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
જો વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ હશે તો વાલીઓને બોલાવી MSUમાંથી બ્લેકલિસ્ટ કરાશે
આ સમગ્ર શરમજનક મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પના ગવળીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, આ વાયરલ વીડિયો અમારા ધ્યાને પણ આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક ધોરણે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી દીધી છે. આ કમિટી વીડિયો ક્યારનો છે, વાયરલ વીડિયો આજનો છે કે જૂનો છે, અને તે કયા સમયે શૂટ કરવામાં આવ્યો હતો તે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરશે.
ડીને વધુમાં ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન ફેકલ્ટીના સિક્યુરિટી કર્મચારીઓની પણ કડક પૂછપરછ કરવામાં આવશે. આ વીડિયોમાં દેખાતા યુવક-યુવતી એમ.એસ. યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ છે કે બહારના વ્યક્તિઓ, તે અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો તપાસમાં આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના જ હોવાનું સાબિત થશે, તો તેમના વાલીઓને તાત્કાલિક બોલાવવામાં આવશે. આ ઉપરાંત, દોષિત વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી બ્લેકલિસ્ટ કરવા સુધીના સખત શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
