Vadodara: વોર્ડ 16ની સભામાં સાંસદનો આક્રમક અંદાજ, વિપક્ષ અને મનપા અધિકારીઓના 'સેટિંગ'ના આરોપથી રાજકારણ ગરમાયું

મનપાના અધિકારીઓ કોંગ્રેસના કોર્પોરેટરો સાથે રુપિયાનું સેટિંગ કરે છે. આવા અધિકારીઓ સાંભળી લે, તમારો પણ હિસાબ લેવામાં આવશે: ડૉ. હેમાંગ જોશી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Apr 2026 06:15 PM (IST)Updated: Thu, 23 Apr 2026 06:15 PM (IST)
vadodara-news-mp-hemang-joshi-explodes-over-vmc-setting-scandal-in-ward-16
HIGHLIGHTS
  • કોંગ્રેસના કોર્પોરેટરો પાણીના વાલ્વ બંધ કરાવીને અત્યંત નિમ્ન સ્તરની રાજનીતિ કરે છે

Vadodara: વડોદરા મહાનગરપાલિકા (VMC)ના વોર્ડ નંબર 16ની સંકલન સમિતિની બેઠક દરમિયાન શહેરના સાંસદ હેમાંગ જોશી આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે શાંત સ્વભાવના ગણાતા સાંસદે વિપક્ષી કોર્પોરેટરો અને મ્યુનિસિપલ અધિકારીઓ વચ્ચેના કથિત ‘સેટિંગ’ના ખેલનો પર્દાફાશ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.

વિપક્ષી નેતાઓ પાણીના વાલ્વ બંધ કરાવી રાજનીતિ રમે છે: સાંસદ

સાંસદ હેમાંગ જોશીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, વિપક્ષના કોર્પોરેટરો જનતાની પાયાની જરૂરિયાતો સાથે રમત રમી રહ્યા છે. વિપક્ષી નેતાઓ જાણી જોઈને પાણીના વાલ્વ બંધ કરાવી દે છે અને વિસ્તારમાં કુત્રિમ અછત ઊભી કરે છે.

જે બાદ પોતે જ ત્યાં હાજર રહી પાણી ચાલુ કરાવીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો અને મતોનું રાજકારણ ખેલવાનો પ્રયાસ કરે છે. જનતાને ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને પ્રશ્નો ઊભા કરવામાં આવે છે, જે લોકશાહી માટે અત્યંત નિમ્ન સ્તરની રાજનીતિ છે.

ભ્રષ્ટ અધિકારીઓને સાંસદની ખુલ્લી ચીમકી

આ મામલે માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ VMCના અધિકારીઓ પણ સાંસદના નિશાન પર રહ્યા હતા. હેમાંગ જોશીએ જાહેરમાં અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું કે, નાના અધિકારીઓ વિપક્ષી કોર્પોરેટરો સાથે મળીને રૂપિયાનું સેટિંગ કરે છે. જે અધિકારીઓ કોંગ્રેસના કોર્પોરેટરો સાથે સાઠગાંઠ રાખીને ચાલે છે, તેઓ સાંભળી લે તમારો પણ હિસાબ લેવામાં આવશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો ભ્રષ્ટાચાર કે મિલીભગત ચલાવી લેવામાં આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં જરાય ખચકાટ રાખવામાં નહીં આવે.

સાંસદના આ આકરા સંબોધનને પગલે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપના કાર્યકરોમાં સાંસદના આ વલણને કારણે જોશ જોવા મળ્યો છે, તો બીજી તરફ વિપક્ષ દ્વારા આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. વોર્ડ-16ની આ સભામાં જે રીતે સાંસદે ભ્રષ્ટાચાર અને કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે, તેનાથી આવનારા દિવસોમાં પાલિકાના તંત્રમાં મોટા ફેરફારો અથવા તપાસના એંધાણ વર્તાઈ રહ્યા છે.