IMD Alert: ગુજરાતમાં હીટવેવનું યલો એલર્ટ, AMC દ્વારા ગરમીથી બચવા માટે શહેરીજનોને ખાસ તકેદારી રાખવાની સૂચના

આવનારા દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. અમદાવાદમાં 29 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 23 Apr 2026 05:53 PM (IST)Updated: Thu, 23 Apr 2026 05:53 PM (IST)
gujarat-heatwave-alert-by-imd-amc-issues-advisory-to-stay-safe
HIGHLIGHTS
  • 40.8 ડિગ્રી સાથે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર

IMD Alert: ગુજરાતમાં ઉનાળાની ગરમી હવે આકરાં તેવર બતાવી રહી છે. એવામાં અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં પણ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વધતી જતી ગરમીને જોતા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ શહેરીજનો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 3 દિવસ દરમિયાન સમગ્રુ ગુજરાતના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. વીતેલા 24 કલાક દરમિયાન 40.8 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શેહર રહ્યું છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જરૂર નોંધાયું હતુ. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં 'યેલો એલર્ટ'

હવામાન વિભાગ દ્વારા આગામી 25 એપ્રિલ સુધી દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે અસહ્ય ઉકળાટ રહી શકે છે. જેના પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 30 એપ્રિલ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

AMCની શહેરીજનોને ગરમીથી બચવા ખાસ તકેદારી રાખવાની સલાહ

જો અમદાવાદની વાત કરીએ તો, આગામી 29 એપ્રિલ સુધી ગરમીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. જે અંતર્ગત શહેરીજનોને

  • બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવી.
  • દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પ્રવાહી પદાર્થો જેમ કે પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.
  • તાજા ફળો અને શાકભાજી ખાવા, જ્યારે તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો.
  • ચા, કૉફી અને સોડાવાળા પીણાંનું ઓછું સેવન કરવું.
  • બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફનો ઉપયોગ કરો તથા આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરવા.
  • લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને કામ દરમ્યાન વિરામ લઈ ઠંડકવાળા સ્થળે આરામ કરવો.
  • નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

લૂ લાગવાના લક્ષણોમાં વધારે પરસેવો, નબળાઈ, માથાનો દુખાવો, ચક્કર, ચામડી લાલ-સુકી થવી, સ્નાયુ દુખાવો, ઉબકા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે.