Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં, દક્ષિણ ગુજરાતમાં પડશે ઝાપટાં

Gujarat Weather Forecast: આજે 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી. જાણો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાં પડી શકે છે હળવો વરસાદ.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 26 Sep 2026 04:41 PM (IST)Updated: Sat, 26 Sep 2026 04:41 PM (IST)
gujarat-weather-forecast-26-september-to-02-october-check-latest-rain-update

Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ભારે વરસાદ કે મેઘગર્જનાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ 26 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 સુધી રાજ્યમાં કયા વિસ્તારમાં કેવું રહેશે હવામાન.

26 અને 27 સપ્ટેમ્બરના રોજ ક્યાં વરસાદની સંભાવના છે?

હવામાન વિભાગની માહિતી મુજબ, 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2026 (સવારે 08:30 વાગ્યા સુધી) દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત 26 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન શુષ્ક રહેશે.

28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન કેવું રહેશે હવામાન?

28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી વરસાદનો વ્યાપ ઘટશે. આ સમયગાળા દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છનો સમાવેશ થાય છે, ત્યાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેવાની ધારણા છે.

ઓક્ટોબરની શરૂઆતમાં (1 થી 3 ઓક્ટોબર) કયા વિસ્તારોમાં વરસાદ પડશે?

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એટલે કે 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2026 (સવારે 08:30 વાગ્યા સુધી) કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી ગતિવિધિઓ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

વિશેષ કરીને 1 ઓક્ટોબરથી 2 ઓક્ટોબરની વચ્ચે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.