Vadodara: સાંસદ ડૉ. હેમાંગ જોશીએ વડાપ્રધાન મોદીની અપીલને માન આપી અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો

ડો. હેમાંગ જોશી અમેરિકામાં ગુજરાતી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા જવાના હતા. સાંસદે ગુજરાતી સમાજના આમંત્રણને પત્ર લખીને નકાર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 08:50 PM (IST)Updated: Wed, 13 May 2026 08:50 PM (IST)
vadodara-news-mp-dr-hemang-joshi-cancel-his-gujarati-samaj-in-america-invitation
HIGHLIGHTS
  • લોકસેવાને પ્રાધાન્ય આપી વિદેશ પ્રવાસ માંડી વાળ્યો

Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ભાજપના જનપ્રતિનિધિઓને પોતાના વિસ્તારના લોકો અને જનસેવા માટે વધુ સમય આપવાની અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલનું અક્ષરશઃ પાલન કરી વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોશીએ પોતાનો નિર્ધારિત અમેરિકા પ્રવાસ રદ્દ કરીને રાજકીય વર્તુળોમાં એક નવી મિસાલ કાયમ કરી છે.

ગુજરાતી સમાજના આમંત્રણને પત્ર લખી નકાર્યું

અમેરિકાના ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પ્રવાસ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ દેશ અને મતવિસ્તારની જવાબદારીઓને પ્રાથમિકતા આપતા સાંસદે આ પ્રવાસ માંડી વાળ્યો છે. તેમણે અમેરિકાના ગુજરાતી સમાજના ચેરમેન જયેશ પટેલને પત્ર લખીને પોતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહી શકે તે અંગેની સત્તાવાર જાણકારી આપી છે.

પીએમ મોદીની શિસ્તનું પાલન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને સાંસદોને વિદેશ પ્રવાસ ટાળીને લોકોની વચ્ચે રહેવા અને સંસદીય કાર્યકાળ દરમિયાન જનકલ્યાણના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું. ડૉ. હેમાંગ જોશીએ વડાપ્રધાનની આ શિસ્તબદ્ધ વિચારધારાને અનુસરીને વ્યક્તિગત પ્રસિદ્ધિ કરતા લોકસંપર્કને વધુ મહત્વ આપ્યું છે.

ચેરમેન જયેશ પટેલને લખેલા પત્રનો અંશ

સાંસદે પત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાતી સમાજનું આમંત્રણ તેમના માટે ગૌરવની વાત છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં વડોદરાના પ્રશ્નો અને સંસદીય કામગીરીને પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. તેમણે અમેરિકામાં વસતા ગુજરાતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં અનુકૂળતાએ મુલાકાત લેવાની ખાતરી આપી હતી.