Navsari: મગોબ ભાઠા ગામે હેલિકૉપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, નિરમા ગ્રુપના MD સહિત 5નો આબાદ બચાવ

નિરમા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હિરેન પટેલ સહિતના લોકો હેલિકોપ્ટરમાં અમદાવાદથી સુરત અને ત્યાંથી મુંબઈ જઈ રહ્યા હતા. હેલિકોપ્ટર નિહાળવા આસપાસના લોકો ટોળે વળ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 08:36 PM (IST)Updated: Wed, 13 May 2026 08:36 PM (IST)
navsari-news-nirma-group-md-helicopter-emergency-landing-at-magob-bhatha-village
HIGHLIGHTS
  • ટેક્નીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી

Navsari: નવસારી નજીક આવેલા મગોબ ભાઠા ગામની સીમમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. જેમાં નિરમા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જે હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, તેમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. આ હેલિકોપ્ટરમાં નિરમા કંપનીના MD હિરેન પટેલની સાથે ધ્રુવિલ પટેલ અને દેવ પટેલ સહિત 5 લોકો સવાર હતા અને તમામ લોકો સુરક્ષિત છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નિરમા ગ્રુપના MD હિરેન પટેલ અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ જઈ રહ્યા હતા. કેપ્ટન કરણસિંહ દહિયા અને કુલદીપ મહેતા હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા.

આ દરમિયાન હવામાં હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. ખામીની જાણ થતા જ પાયલટે સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું હતું. તેમણે રહેણાંક વિસ્તારથી દૂર મગોબ ભાઠા ગામ આવેલી ખુલ્લી જગ્યામાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં સવાર હિરેન પટેલ, ધ્રુમિલ પટેલ સહિતના તમામ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા.

બીજી તરફ નિર્જન ખેતરમાં હેલિકોપ્ટર ઉતર્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગામના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ખેતરમાં ઉતારવામાં આવેલા હેલિકોપ્ટરને રિપેર કરવા માટે એન્જિનિયરોની ટીમ બોલાવવામાં આવી છે. ટેકનિકલ તપાસ બાદ જ હેલિકોપ્ટરમાં કયા કારણોસર ખામી સર્જાઈ હતી તે સ્પષ્ટ થશે.