Navsari Kudo Player Nidhi Raghav: સુરતમાં યોજાયેલી પ્રતિષ્ઠિત 14મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં નવસારીના ગણેશ સિસોદ્રા વિસ્તારની ઉભરતી ખેલાડી નિધિ અરવિંદ રાધવે ગોલ્ડ મેડલ જીતીને ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ અદભૂત સફળતાથી તેના પરિવાર, સમાજ અને સમગ્ર નવસારી શહેરનું નામ રોશન થયું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિશેષ પુરસ્કાર
નિધિ રાઘવની આ સફળતા ત્યારે બેવડી ગૌરવપૂર્ણ બની જ્યારે તેને 'નવસારી કુડો સ્ટુડન્ટ ઓફ ધ યર' ના વિશેષ પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત ઈનામ તેને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
કોચનું માર્ગદર્શન, એસોસિએશન દ્વારા અભિનંદન
આ અસાધારણ સફળતા બદલ નવસારી કુડો એસોસિએશન દ્વારા નિધિ રાઘવને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. નિધિએ પોતાની સફળતાનો શ્રેય આપતા પોતાના કોચ સૈન્સેઈ મયુર વ્હાણેચા અને સેન્સેઈ તરુણ ઢીમ્મરના વિશેષ યોગદાન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નિધિ રાઘવના કોચ મયુર વ્હાણેચાએ જણાવ્યું હતું કે, નિધિની આ સફળતા માત્ર તેના માટે જ નહીં પરંતુ નવસારીના અન્ય યુવા રમતવીરો માટે પણ પ્રેરણારૂપ બની છે, જે સાબિત કરે છે કે સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી કોઈ પણ લક્ષ્ય મેળવી શકાય છે.
