નવસારી: ગણદેવીમાં ડિમોલિશન કાર્યવાહી, મેંધર ગામે 8 ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડી પાડ્યા

નવસારી જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 11 Sep 2026 09:27 AM (IST)Updated: Fri, 11 Sep 2026 09:27 AM (IST)
navsari-gandevi-mendhar-village-illegal-shrimp-ponds-demolition-drive
mendhar village illegal shrimp ponds

Navsari Illegal Shrimp Ponds: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મેંધર ગામે સરકારી જમીન પર અનધિકૃત રીતે બનાવવામાં આવેલા 8 ગેરકાયદેસર ઝીંગા તળાવને તોડી પાડવાની મોટી કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.

મેંધર ગામના બ્લોક નંબર 903 અને રી-સર્વે નંબર-684 પર આવેલી સરકારી જમીન પર વહીવટી તંત્રની કોઈ પણ જાતની મંજૂરી મેળવ્યા વિના આ ઝીંગા તળાવ બનાવી દેવામાં આવ્યા હતા. આ અંગે કાંઠા વિસ્તારના ગ્રામજનો દ્વારા તંત્રને મૌખિક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હતી.

કલેક્ટરના આદેશથી ખાસ સમિતિની રચના

ગ્રામજનોની ફરિયાદોને ગંભીરતાથી લઈને નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. ચીખલીના પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા હેઠળ આ સમિતિ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના હુકમ નંબર ડિઝાસ્ટર/સમિતિ/વશી.3999 થી 4008/2026 (તારીખ 19/08/2026) મુજબ મેંધર-ભાટ ખાડી વિસ્તારમાં આ ગેરકાયદેસર ઝીંગા તળાવને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યવાહી

વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ નકશાની સરખામણી કરીને દબાણવાળી જમીન ખુલ્લી કરવા બે JCB સહિતના સાધનોની મદદથી ઝીંગા તળાવ તોડી પાડવામાં આવ્યા હતા. આ ડિમોલિશન કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ધોલાઈ બંદર પોલીસ સ્ટેશનના PI અને બીલીમોરા SO સહિત પુરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

વધુમાં, સ્થળ પર ચીખલીના પ્રાંત અધિકારી, ગણદેવીના મામલતદાર, નવસારીના નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ), ગણદેવી તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેરો, મેંધરના તલાટી કમ મંત્રી, જમીન દફતર નિરીક્ષક અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.