Vadodara: અગોરા સિટી સેન્ટરમાં 17માં માળેથી પટકાતા મેન્ટેનેન્સ કર્મચારીનું મોત, અઠવાડિયામાં બીજી ઘટનાથી અરેરાટી

'મારે બીજું કંઈ નથી જોઈતું, મને મારો પતિ પાછો લાવી આપો..'- ઘટના સ્થળે પહોંચેલી પત્નીનું હૈયાફાટ આક્રંદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Feb 2026 06:43 PM (IST)Updated: Sat, 28 Feb 2026 06:43 PM (IST)
vadodara-news-maintenance-worker-dies-after-falling-from-17th-floor-at-agora-city-centre
HIGHLIGHTS
  • મૂળ પશ્ચિમ બંગાળનો શાર્દુલ વાયર બદલતી વખતે સંતુલન ગુમાવતા નીચે પટકાયો

Vadodara: વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટર ખાતે અઠવાડિયામાં બીજી દુર્ઘટનામાં 17માં માળેથી નીચે પટકાયેલા યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ પશ્ચિમ બંગાળનો વતની શાર્દુલ અલી (30) છેલ્લા 5 વર્ષથી અગોરા સિટી સેન્ટર ખાતે મેન્ટેનેન્સ વિભાગમાં ફરજ બજાવતો હતો. શાર્દુલ 17માં માળે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યો હતો. આ દરમિયાન વાયર ખેંચતી વખતે અચાનક સંતુલન ગુમાવતા શાર્દુલ સીધો 17માં માળેથી સીધો લિફ્ટના શાફ્ટમાં પટકાયો હતો.

આટલી ઊંચાઈથી નીચે પટકાવાના કારણે શાર્દુલને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ બાબતની જાણ થતાં સમા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સુરક્ષા પ્રોટોકોલ અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શાર્દુલના આજથી માંડ 8 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. જ્યારે તેની પત્ની સુમૈયા થોડા દિવસ પહેલા જ વડોદરા રહેવા માટે આવી હતી. પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ સુમૈયા ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં હૈયાફાટ આક્રંદથી ઉપસ્થિત સૌ કોઈના કાળજા કંપી ઉઠ્યા હતા.

જણાવી દઈએ કે, આજથી 7 દિવસ પહેલા પણ અગોરા સિટી સેન્ટર ખાતે હિતેન્દ્ર પરમાર નામનો અન્ય એક યુવક દીવાલ પરથી પટકાઈને મોતને ભેટ્યો હતો. આમ સપ્તાહમાં બે દુર્ઘટના બાદ બિલ્ડિંગની સલામતી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. હાલ તો પોલીસ બન્ને બનાવોની વિગતવાર તપાસ કરી રહી છે.