Gandhinagar: ગુજરાતમાં વીજ વિભાગના કર્મચારીઓ હવે હડતાળ પર નહીં ઉતરી શકે, સરકારે 6 મહિના માટે 'એસ્મા' લાગુ કર્યો

વીજ ઉત્પાદનથી ડિસ્ટ્રીબ્યુશન સુધીના કર્મચારીઓની હડતાળ પર એસ્મા હેઠળ પ્રતિબંધ. જો કોઈ કર્મચારી કામમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે, તો કાયદેસરની કાર્યવાહી કરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Feb 2026 06:15 PM (IST)Updated: Sat, 28 Feb 2026 06:15 PM (IST)
gujarat-government-imposes-esma-on-power-sector-employees-strike-banned-for-6-months
HIGHLIGHTS
  • ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
  • 20 માર્ચથી આગામી 6 મહિના સુધી જાહેરનામું અમલી રહેશે

Gandhinagar: ગુજરાતમાં વીજ વિભાગના કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મૂકવાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ESMA) હેઠળ વીજ ક્ષેત્રના કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સંદર્ભે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં સતત અને અવરોધ રહિત વીજ પૂરવઠો મળી રહે તે માટે વીજ ક્ષેત્રના કર્મચારીઓ માટે ESMA લાગુ કરવામાં આવ્યો છે.

જેમાં વીજળી ઉત્પન્ન કરતી કંપનીના કર્મચારીઓ, વીજ ટ્રાન્સમિશન સાથે જોડાયેલા કર્મચારી, પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા કર્મચારીઓ અને કો-ઓર્ડિનેશન એક્ટિવિટીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ હડતાળ નહીં પાડી શકે છે. આ જાહેરનામું 20 માર્ચ 2026થી લાગુ થઈ આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે.

વીજ કર્મચારીઓની હડતાળની શક્યતાને પગલે સરકારનું વલણ
તાજેતરમાં જ વીજ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામવાની શક્યતાને જોતા સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જેથી રાજ્યમાં વીજ પૂરવઠો ખોરવાય નહીં અને સામાન્ય જનજીવનને પણ કોઈ અસર ના થાય.

ESMA લાગુ થયા બાદ કોઈ પણ પ્રકારની હડતાળ કે સેવામાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો કાયદેસરનો ગુનો ગણાશે. જેને લઈને જવાબદાર કર્મચારી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.