Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે સાણંદમાં માઈક્રોન ટેક્નોલોજીના સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. જેની પહેલા સાણંદમાં PM મોદીનો ભવ્ય રોડ શૉ યોજાયો હતો
PM મોદીનો રોડ શૉ દરમિયાન સાણંદમાં રોડની બન્ને બાજુ તેમનું સ્વાગત કરવા અને અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ સમયે લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો. જેવો વડાપ્રધાનનો કાફલો નજીકથી પસાર થયો, તે સાથે જ ઘણાં લોકોએ પુષ્પવર્ષા કરી હતી.
જણાવી દઈએ કે, સાણંદમાં માઈક્રોન સેમિ કન્ડક્ટર ટેક્નોલૉજી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 22,516 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે PM મોદીએ માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ સાથે જ ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.
સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.
