Junagadh: પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થતાં યુવતીનો આપઘાત, પરિવારજનોની ગેરહાજરીમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી ગઈ

ખાખી પહેરવાનું સપનું જોતી પૂનમ અગાઉ પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષામાં નાપાસ થઈ હતી. બીજી વખત શારીરિક કસોટીમાં નિષ્ફળતા મળતા નાસીપાસ થઈ ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Feb 2026 04:49 PM (IST)Updated: Sat, 28 Feb 2026 04:49 PM (IST)
junagadh-21-year-old-woman-dies-by-suicide-after-failing-police-recruitment-exam
HIGHLIGHTS
  • જૂનાગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

Junagadh: જૂનાગઢના વધાવી ગામમાં એક યુવતીએ પોતાના ઘરે દુપટ્ટાનો ફંદો બનાવીને ગળેફાંસો ખાધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 21 વર્ષીય યુવતીએ પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા નાસીપાસ થઈને અંતિમ પગલું ભર્યું હોવાનો જાણવા મળ્યું છે.

પરિવારજનોની ગેરહાજરીમાં દુપટ્ટાનો ફંદો બનાવી પંખે લટકી ગઈ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વધાવી ગામની પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી પૂનમ મારખીભાઈ મારડીયા (21)એ આજથી બે દિવસ પહેલા ગત ગુરુવારે બપોરના સમયે પોતાના ઘરે એકલી હતી, ત્યારે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બાબતની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક પૂનમનું ખાખી વરદી પહેરવાનું સપનું હતુ, જેના માટે તે તનતોડ મહેનત કરતી હતી. ગત વર્ષે પોલીસ ભરતી માટેની શારીરિક કસોટીમાં પૂનમ પાસ થઈ ગઈ હતી. જો કે ફિઝિકલ ટેસ્ટ બાદ લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં નાપાસ થઈ જતાં પૂનમ નિરાશ થવાના બદલે ફરીથી મહેનત શરૂ કરી હતી.

થોડા દિવસ પૂર્વે પોલીસ ભરતી માટે પૂનમે રાજકોટના ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી આપી હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. આમ વારંવાર નિષ્ફળતા મળવાના કારણે પૂનમ માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે નાસીપાસ થઈને તેણે 26 ફેબ્રુઆરીએ પરિવારજનોને ગેરહાજરીમાં પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધુ હતુ. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ભરતીની ફિઝિકલ ટેસ્ટ આપવા ગયેલી યુવતીનો બહેનપણીના ઘરે આપઘાત
આજથી બે દિવસ પૂર્વે આવા જ એક બનાવમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા માટે દ્વારકાથી રાજકોટ આવેલી યુવતીએ પણ આપઘાત કરી લીધો હતો.

દ્વારકાના ભાટીયા ગામની રીતુ કાબરિયા રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરમાં દોડની પરીક્ષા આપવા માટે આવી હતી. જ્યાં તે મુંજકામાં રહેતી પોતાની બહેનપણી હીના રાઠોડના ઘરે રોકાઈ હતી. રાતના સમયે હીના બહાર ગઈ ત્યારે રૂમમાં એકલી રહેલી રીતુએ પોતાની ચુંદડી પંખા સાથે બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.