Junagadh News: જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં નવી મોટરસાયકલ ન મળવાના કારણે 28 વર્ષીય અજયભાઈ ચંદુભાઈ સોલંકી નામના યુવકે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ આર્થિક સગવડ ન હોવાનું જણાવી બાઈક પછી લેવાનું કહેતા યુવકને માઠું લાગ્યું હતું અને આ આત્યંતિક પગલું ભર્યું હતું. આ ઘટના અંગે ભેસાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાળિયા ગામના રહેવાસી અજયભાઈ ચંદુભાઈ સોલંકી (ઉં.28) ને નવી બાઇક ખરીદવાની ઈચ્છા હતી. તેણે આ અંગે પોતાના પિતા ચંદુભાઈ સાથે વાત કરી હતી. જોકે, હાલની નાણાકીય પરિસ્થિતિને કારણે પિતાએ અજયને જણાવ્યું કે, "હાલમાં પૈસાની સગવડ નથી, પછી લઈ લેશું." પિતાના આ જવાબથી અજયને ખૂબ જ માઠું લાગ્યું હતું. આ નિરાશા અને આવેગમાં તેણે ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાના પગલે સોલંકી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભેસાણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં આત્મહત્યાના અન્ય એક કિસ્સામાં, અમદાવાદના વસ્ત્રાપુરમાં ભરવાડવાસમાં રહેતી એક પરિણીતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના પિયર પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પતિ અને સાસરિયાઓ દ્વારા વારંવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી અને તેને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાના આત્મહત્યા બાદ તેના સાસરી પક્ષના લોકો ખાનગી હોસ્પિટલમાં મૃતદેહ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું પણ પિયર પક્ષે જણાવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ, આ પરિણીતાના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા.