Vadodara: વડોદરામાં સ્માર્ટ મીટર સામે જનઆક્રોશ શાંત થવાનું નામ લેતું નથી. શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે સરકાર અને વીજ કંપનીઓ સામે લોકરોષ જોવા મળી રહ્યો છે. આજે ફરી નિઝામપુરામાં મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડ ખાતે મધ્ય ગુજરાત વિજ કંપનીની (MGVCL) ટીમ સ્માર્ટ મીટર બદલવા પહોંચી, ત્યારે ત્યાંના સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના પરિણામે કામગીરી વચ્ચે જ અટકાવવી પડી અને ટીમને પરત જવું પડ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં છેલ્લા 40–50 વર્ષથી 16 જેટલા પરિવારો રહે છે. શનિવારે સવારે વીજ કંપનીના કર્મચારીઓ કોઈ પૂર્વ જાણકારી આપ્યા વગર અચાનક જ જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા.
રહીશોનો આક્ષેપ છે કે, નોટિસ કે ચર્ચા વગર આ કામગીરી હાથ ધરવાથી લોકોમાં કચવાટ ફેલાયો હતો. વીજ કર્મચારીઓ મીટર કાઢવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મહિલાઓ અને રહીશો એકઠા થઈ વિરોધે ઊતર્યા હતા.
રહિશોમાં ખાસ કરીને મહિલાઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. “અમે મધ્યમ વર્ગના છીએ, લૂંટાવા નથી માંગતા,” એવા નારા લગાવાયા હતા. તેઓનો આક્ષેપ હતો કે, જૂના મીટર સંપૂર્ણ રીતે કાર્યરત છે, ત્યારે ફરી નવું મીટર કેમ? લોકોનો દાવો છે કે, સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવવાના બનાવો શહેરભરમાં સામે આવી રહ્યા છે, જેના કારણે તેમને આર્થિક નુકસાનની ભીતિ છે. ખાસ કરીને મહત્ત્વનું એ છે કે, એક વર્ષ પહેલા જ તેમના જૂના મીટર બદલાયા હતા, ત્યારે હવે ફરીથી સ્માર્ટ મીટર નાખવાની શું જરૂરિયાત?
વિરોધ વધતા રહીશોએ વિસ્તારના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાને જાણ કરી હતી. કાઉન્સિલર સ્થળ પર પહોંચીને વીજ કંપનીનાં કર્મચારીઓ સાથે ચર્ચા કરી અને રહીશોની મુશ્કેલીઓને વ્યાજબી ગણાવી. લોક વિરોધ અને કાઉન્સિલરની રજૂઆત બાદ આખરે વીજ કંપનીની ટીમે કામગીરી સ્થગિત કરી સ્થળ પરથી પાછી વળી હતી.
રહીશોનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જો ભવિષ્યમાં ફરી જબરજસ્તી સ્માર્ટ મીટર નાખવાનો પ્રયાસ થશે તો તેઓ કર્મચારીઓને કમ્પાઉન્ડમાં પ્રવેશવા દેશે નહીં. “સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવવાના કિસ્સા અમે જોયા છે. અમને વપરાશ કરતાં વધુ બિલ ભરવું શક્ય જ નથી,” એમ મહિલાઓએ ગુસ્સો છલકાવ્યો હતો.
નિઝામપુરાની આ ઘટનાએ વડોદરામાં સ્માર્ટ મીટર મુદ્દે ચાલી રહેલી ચર્ચાને ફરી તીવ્ર બનાવી છે. જનતા અને કંપની વચ્ચે સમજૂતી વિના આ મુદ્દો હજી વધુ ઉગ્ર બની શકે છે, એવી ચિંતા સ્થાનિક સ્તરે વ્યક્ત થઈ રહી છે.
