વડોદરામાં સ્માર્ટ મીટર વિવાદનું ભૂત ફરી ધૂણ્યું: દંતેશ્વરમાં GEB કર્મચારીઓ ધમકી આપતા હોવાનો રહેવાસીઓનો આક્ષેપ

રહેવાસીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સરકારની યોજના હેઠળ ચાલે છે, પરંતુ તેનો અમલ દબાણ અને ધમકીથી કરવો એ સંપૂર્ણપણે અયોગ્ય છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 20 Nov 2025 12:52 PM (IST)Updated: Thu 20 Nov 2025 12:52 PM (IST)
vadodara-smart-meter-controversy-resurfaces-residents-allege-geb-threats-in-danteshwar-641465

Vadodara News: વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર વિવાદનું ભૂત ફરી એકવાર માથું ઊંચું કરી રહ્યું છે. દંતેશ્વર વિસ્તારના ભવ્ય દર્શન ફ્લેટમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાના મુદ્દે તીખો વિરોધ દર્શાવ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે GEBના કર્મચારીઓ કોઈપણ પૂર્વસૂચના, લેખિત નોટીસ કે સમજૂતી વગર સીધી ચીમકી આપી રહ્યા છે કે “સ્માર્ટ મીટર નહીં લગાવો તો લાઇટ કનેક્શન કપાઈ જશે.”

લાઇટ કાપવાની ધમકી વચ્ચે લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા

આ ચીમકી બાદ રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. વૃદ્ધો, મહિલાઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, કેમ કે લાઇટ કાપવાની ધમકી વચ્ચે લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સરકારની યોજના હેઠળ ચાલે છે, પરંતુ તેનો અમલ દબાણ અને ધમકીથી કરવો એ સંપૂર્ણપણે અયોગ્ય છે.

GEB તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળેલી નથી

સ્થાનિકોએ જણાવ્યું કે GEB તરફથી કોઈ સત્તાવાર નોટિસ મળેલી નથી. છતાં, વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા દરવાજા ખખડાવી તરત મીટર બદલી નાખવાની અને નહીં સ્વીકારીએ તો કનેક્શન બંધ કરવાની વાત કહેવામાં આવી રહી છે. ઘણા રહેવાસીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ નથી કરતા, પરંતુ દબાણ અને ધમકીનો રસ્તો સ્વીકાર્ય નથી.

સ્થાનિકો વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારીમાં

ઘટના બાદ ભવ્ય દર્શન ફ્લેટમાં હાલ પરિસ્થિતિ તંગ બની છે. રહેવાસીઓ એકજૂટ થઈ GEBના વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત કરવાની તૈયારીમાં છે. તેઓ માંગ કરી રહ્યા છે કે મીટર બદલવાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રાખવામાં આવે, લેખિત માહિતી આપવામાં આવે અને કોઈપણ પ્રકારનું દબાણ કે ચીમકી બંધ કરવામાં આવે. શું દબાણભરી પદ્ધતિથી સ્માર્ટ મીટર લગાવવાનું યોગ્ય છે? દંતેશ્વર વિસ્તારના રહેવાસીઓ હવે આ મુદ્દે ઉચ્ચ લેવલની કાર્યવાહી અને સ્પષ્ટતા માંગીને ઉભા છે. આગામી સમયમાં આ કેસ શું વળાંક લે છે તે પર શહેરનું ધ્યાન કેન્દ્રિત થયું છે.