Vadodara: વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને જાગૃતિ કાર્યક્રમો છતાંય મોટા પ્રમાણમાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
જેના પરિણામે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવી એક વર્ષમાં જ કુલ 2.55 લાખ ઈ-ચલણ ઇસ્યૂ કર્યા છે. આ ચલણોથી શહેર પોલીસ દ્વારા કુલ 8.43 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે, જે ટ્રાફિક નિયંત્રણ પ્રત્યે પોલીસની કામગીરીની અસરકારકતા દર્શાવે છે.
આ પણ વાંચો
- બાઇક પર ત્રિપલ સવારી બદલ સૌથી વધુ 1,00,853 ચલણો ઈસ્યૂ થયા
- હેલમેટ ના પહેરવા બદલ 28,078 દંડ કાર્યવાહી
- વાહનના કાગળો વગર ચાલકાઈ બદલ 22,483 કેસ નોંધાયા
- ટ્રાફિક સિગ્નલ ઉલ્લંઘન બદલ 6,509 ચલણ
- વાહનમાં ગેરકાયદેસર ડાર્ક ફિલ્મ માટે 1,713 કેસ
- ગેરકાયદેસર અથવા અસ્પષ્ટ નંબર પ્લેટ બદલ 32,723 ચલણો
- તેમજ ઓવરસ્પીડિંગ બદલ 121 કાર્યવાહી કરવામાં આવી
ટ્રાફિકના નિયમોનો ભંગ અટકાવવા અને પારદર્શક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેર પોલીસે કુલ 697 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ શરૂ કર્યો છે. તેમાંના 73 કેમેરા સીધા કન્ટ્રોલરૂમ સાથે જોડાયેલ હોવાથી દરેક કાર્યવાહીનું લાઇવ રેકોર્ડિંગ થાય છે, જેનાથી ટ્રાફિક પોલીસની કામગીરી વધુ જવાબદાર બની છે.
શહેરમાં અકસ્માતોના વધતા આંકડાઓને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર કટ સામે પણ પગલા લેવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં 63 ડિવાઇડરના કટ દૂર કરીને અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે બુલેટ વાહનચાલકો દ્વારા થતા ઘોંઘાટ સામે પણ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. વર્ષ 2025માં ઘોંઘાટ કરતા 506 બુલેટોના સાયલન્સરનો નાશ કરવામાં આવ્યો છે.
અકસ્માતોની સ્થિતિ ચિંતાજનક છે. વર્ષ 2024માં 195 ફેટલ અકસ્માત નોંધાયા હતા જ્યારે વર્ષ 2025ના નવેમ્બર માસ સુધી 160 અકસ્માતોની ઘટના બની છે. જેમાં અત્યાર સુધી 170 લોકોના દુઃખદ મોત નિપજ્યા છે.
ટ્રાફિક પોલીસનું માનવું છે કે નિયમોનો ભંગ ન થાય તેટલા સુધી દંડની કાર્યવાહી ચાલુ રહેશે. સાથે જ લોકો નિયમોનું પાલન કરે તો અકસ્માતો ઘટશે અને જાનહાની અટકશે તેમ પોલીસનો સકારાત્મક સંદેશ છે.
