Vadodara: વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ 6 જેટલા નવીન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વાસણા અને ભાયલી ખાતે બનતા બ્રિજને લઈ લોકોમાં વિરોધના સુર ઉઠયા છે. વાસણા રાણેશ્વર ચોકડી પાસે બનતા બ્રિજને લઈ લોકોએ પોતાના કોમ્પલેક્ષ બહાર કોઈ પણ રાજકીય પક્ષોને વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી બેનર મારી કરી વિરોધ કરી રહ્યા છે.
હકીકતમાં રસ્તા પર બનતા બ્રિજથી વેપારીઓ અને સોસાયટીના લોકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ રસ્તા પર બ્રિજની કોઈ જરૂર નથી, માત્ર અમુક સમયે જ ટ્રાફિક થતો હોય છે અને તેને લારી-ગલ્લાના દબાણ દૂર કરી અને ફૂટપાથ સાંકડો કરી અથવા તો સર્કલ નાનું કરવાથી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય તેમ હોવાનું લોકોનું કહેવું છે.
બીજી તરફ અકોટા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ પણ લોકોની માંગણી સાચી લાગતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરી હતી. જેમાં ફરી એક વાર ટ્રાફિકનું નિરીક્ષણ કરી અને એક વાર દબાણો હટાવી સર્કલ નાનું કરવા ભલામણ કરી છે.
જ્યારે દિલીપ રાણાએ જણાવ્યું કે, સ્થાનિક લોકો રજૂઆત માટે આવ્યા હતા તેમની રજૂઆત ધ્યાનમાં લઇ અમે અભ્યાસ કરીશું અને સર્વે કરી દબાણો અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખી અભ્યાસ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું.
