Surat: અડાજણ અને પાલમાં તરખાટ મચાવનાર બે રીઢા ચેઈન સ્નેચર ઝડપાયા, 12 ગુનાનો ભેદ ઉકેલાયો

પોતાની ઓળખ છતી ના થાય તે માટે મોંઢા પર માસ્ક પહેરીને અલગ-અલગ વાહનોમાં નીકળીને ગુનાને અંજામ આપતા હતા. પોલીસે 12.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Dec 2024 05:17 PM (IST)Updated: Fri, 13 Dec 2024 05:17 PM (IST)
surat-news-crime-branch-held-2-chain-snatchers-solve-12-cases
HIGHLIGHTS
  • વજનદાર અને જાડી ચેઈન પહેરતા હોવાથી પુરુષોને જ ટાર્ગેટ કરતા

Surat: શહેરના અડાજણ અને પાલ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ કરીને તરખાટ મચાવનાર બે રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આ સાથે જ ચેઈન સ્નેચિંગના 12 ગુનાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 ચેઈન અને 3 વાહનો મળીને કુલ 12.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે પાંડેસરા વડોદગામ પાસેથી આરોપી મોહિત રામયશ ઉર્ફે રામજશ રામનિવાસ પટેલ તથા રાહુલકુમાર ઉર્ફે રંગા બાલમુકુંદરામ ચંદ્રદેવરામ ચંદ્રવંશીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11.15 લાખની કિંમતની સોનાની 12 નંગ ચેઈન તથા ગુનો કરવા ઉપયોગમાં લીધેલી અલગ અલગ ટુવ્હીલર ત્રણ વાહનો મળી કુલ 12.85 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, પોતે પોતાના મોજશોખ પુરા કરવા સારું છેલ્લા 6 માસના સમયગાળા દરમ્યાન શહેરના પોશ વિસ્તાર અડાજણ અને પાલ જેવા એરિયામાં અલગ અલગ વાહનો ઉપર સવાર થઇ પોતાની ઓળખ છતી ના થાય તે માટે રાત્રીના સમયે મોઢે માસ્ક પહેરી નીકળતા હતા. જ્યાં રાહદારી તથા ઈવનિંગ વૉક પર નીકળતા લોકોને ટાર્ગેટ કરી તેઓના ગળામાં પહેરેલી સોનાની ચેઇનો તોડી સ્નેચિગ કરતા હતા. ખાસ કરીને પુરષોની ચેઈન સ્નેચિંગ કરતા હતા, કારણ કે પુરુષો મોટા ભાગે સોનાની અને વજનદાર ચેઈન પહેરતા હોવાથી સ્નેચિગ કરતા હતા.

પોલીસ તપાસમાં અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલા 7 અને પાલ પોલીસ મથકમાં નોંધાયેલા 5 ગુના મળી 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો આરોપી મોહિત રામનિવાસ પટેલ ખુબ જ રીઢો ગુનેગાર છે, જે ભૂતકાળમાં સુરત શહેરના લીંબાયત, પાંડેસરા, ખટોદરા, ઉમરા તથા અડાજણ તથા રાંદેર પોલીસ મથકમાં ચેઈન/મોબાઈલ સ્નેચિગ, જુગાર, શરીર સબંધી તથા જાહેરનામાં ભંગ જેવા 20 થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને વર્ષ 2020માં પાસામાં પણ અટકાયત કરવામાં આવ્યો હતો

વધુમાં આરોપીઓની મોડેસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પોતાની ઓળખ છતી ના થાય તે માટે રાત્રીનો સમય પસંદ કરી મોઢે માસ્ક તથા રૂમાલ બાંધી તેમજ વાહનની નંબર પ્લેટ વચ્ચેના ભાગેથી વાળી દઈ ચેઈન સ્નેચિગના ગુનાઓ આચરેલા છે. આ ઉપરાંત આરોપીઓએ વારાફરતી એકબીજાની મદદગારીથી સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ સમયે 30 થી વધારે ચેઈન સ્નેચિગના ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત જણાવી છે જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.