Vadodara: નવરાત્રિનો આરંભ થતાની સાથે જ વડોદરાના સૌથી મોટા ગણાતા 'યુનાઈટેડ વે ગરબા મહોત્સવ' સતત વિવાદમાં સપડાઈ રહ્યો છે. પહેલા નવરાત્રિના પાસને લઈને ધક્કામુક્કીની ઘટના સામે આવી હતી. હવે નવરાત્રિ શરૂ થતાં જ ગરબા ગ્રાઉન્ડમાં કાદવ-કીચડથી ભરાઈ ગયું હોવાથી ખેલૈયાઓ ગરબે ના ઘૂમી શકતા નિરાશ બન્યા છે. હવે રોષે ભરાયેલા ખેલૈયાઓએ આયોજકો સમક્ષ રિફંડની માંગણી કરી છે.
અગાઉ 'યુનાઈટેડ વે ગરબા મહોત્સવ'ના આયોજકો દ્વારા ખેલૈયાઓને રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે આજે ખેલૈયાઓ પોતાના રૂપિયા પરત મેળવવા માટે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા હતા. જો કે અહીં તેમને તાત્કાલિક રિફંડ ના ચૂકવવામાં આવતા ખેલૈસાઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી.
આ અંગે રોષે ભરાયેલા ખેલૈયાઓએ ફરિયાદ કરતાં જણાવ્યું કે, જ્યારે એક વ્યક્તિ પાસેથી 5600 રૂપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે. આમ આયોજકો નવરાત્રિ દરમિયાન કરોડો રૂપિયાની કમાણી કરી નાંખે છે. આમ છતાં મેદાનમાં પુરતી સુવિધા અને આયોજકોની ખરાબ વ્યવસ્થાના કારણે ખેલૈયાઓ નિરાશ થઈ રહ્યા છે.
મિથિલા પાંડેએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં પોસ્ટ જોઈ હતી. જેમાં ગરબા ગ્રાઉન્ડમાં આર્ટિફિશિયલ ગ્રાસ હોવાનું જણાવવામાં આવ્યું હતુ. જો કે મેદાનમાં આવ્યા, ત્યારે કાદવ અને કીચડ જોવા મળ્યો હતો. અમે ઘણાં સમય પહેલાથી ગરબા માટે ખાસ તૈયારીઓ કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે અમે ગરબા રમવા ક્યાં જઈએ?
અન્ય એક ખેલૈયાએ જણાવ્યું કે, અમે દર વર્ષે 'યુનાઈટેડ વે ગરબા મહોત્સવ'માં ઉત્સાહપૂર્વક ગરબા રમવા માટે આવીએ છીએ. જો કે આ વર્ષે મેદાનની હાલ જોઈને નિરાશા સાંપડી છે. સાડા 5 થી 6 હજાર રૂપિયા ખર્ચ કરવા છતાં અમને ગરબા રમવાનો આનંદ નથી મળ્યો. અમે ખાસ રજા મૂકી હતી, પરંતુ હવે અમારે પગાર ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
બીજી તરફ આયોજક તરફથી યુનાઈટેડ વેના ચેરમેને જણાવ્યું કે, ખેલૈયાઓએ જે રકમ ચૂકવી છે, તેનું તેમને રિફંડ આગામી પાંચ થી સાત દિવસમાં કરવામાં આવશે. આ વર્ષે લગભગ 35 હજાર જેટલા ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન થયું છે. આથી ખેલૈયાઓની માંગણી મુજબ તેમને તમામ રકમ પરત ચૂકવી દેવામાં આવશે.
