VIDEO: રાજકોટમાં OLA ઈલેક્ટ્રિક સ્કૂટરની યોગ્ય સર્વિસ ના મળતા ગ્રાહકો રોષે ભરાયા, શૉ-રૂમનું શટર પાડી અર્ધનગ્ન થઈ કંપની વિરુદ્ધ સુત્રોચાર પોકાર્યા

અગાઉ 1 મહિના પહેલા ખરીદેલા OLA સ્કૂટરની સર્વિસ માટે ગ્રાહકને રૂ. 90 હજારનું બિલ પકડાવી દેતા રોષે ભરાયેલા ગ્રાહકે શૉ રૂમની બહાર હથોડાના ઘા ઝીંકીને સ્કૂટર તોડી નાંખ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Sep 2025 08:30 PM (IST)Updated: Tue, 23 Sep 2025 08:30 PM (IST)
rajkot-news-customer-shutdown-ola-show-room-after-not-get-good-service-by-electric-scooter-company
HIGHLIGHTS
  • 'OLA હાય-હાય'ના સુત્રોચાર કરીને કંપની સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો
  • અર્ધનગ્ન બનીને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરતાં તમાશો નિહાળવા લોકો ટોળે વળ્યા

Rajkot: રાજકોટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની OLA વધુ એકવાર ચર્ચામાં આવી છે. હકીકતમાં રાજકોટમાં અનેક ગ્રાહકો OLA ઈલેક્ટ્રિક સ્કૂટરની અપૂરતી સર્વિસના કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અનેક ફરિયાદો છતાં કંપની તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ કે ઉકેલ ના મળતા આખરે ગ્રાહકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે.

આવા જ એક રોષે ભરાયેલા ગ્રાહક દ્વારા OLA ઈલેક્ટ્રિક સ્કૂટર કંપનીનો વિરોધ માટે અનોખો માર્ગ અપનાવ્યો હતો. જેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. જેમાં કંપની દ્વારા પુરતી સર્વિસ ના આપવામાં આવતા રોષે ભરાયેલા ગ્રાહકે OLA કંપનીના સર્વિસ શૉ રૂમનું શટર પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આટલેથી ના અટકતા રોષે ભરાયેલા ગ્રાહકે અર્ધનગ્ન થઈને OLA હાય-હાયના સુત્રોચાર કરીને કંપની સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગ્રાહક કંપનીની નિષ્ફળ સર્વિસ અને ગ્રાહકોને પડતી હાલાકી વિશે ગુસ્સામાં બોલતો જોવા મળે છે. આ ઘટના ઓલા કંપની માટે એક ચેતવણીરૂપ છે, કારણ કે તેના ગ્રાહકો હવે માત્ર ફરિયાદો કરવાને બદલે જાહેરમાં વિરોધ નોંધાવી રહ્યા છે.

ઉશ્કેરાયેલા ગ્રાહકે સર્વિસ સેન્ટર સામે હથોડા ઝીંકીને ઓલા સ્કૂટર તોડી નાંખ્યું
ગત વર્ષે પણ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં OLA ઈલેક્ટ્રિક સ્કૂટરના સર્વિસ સેન્ટરની બરાબર સામે જ એક ગ્રાહકે પોતાના OLA સ્કૂટરને હથોડાના આડેધડ ફટકા મારી તોડી નાંખ્યું હતુ.

હકીકતમાં તે ગ્રાહકે પોતાનું OLA સ્કૂટર એક મહિના પહેલા જ ખરીદ્યું હતુ. જેની સર્વિસ માટે કંપનીએ તેને 90 હજાર રૂપિયાનું બિલ પકડાવી દીધુ હતુ. જેથી ઉશ્કેરાયેલા ગ્રાહકે કંપનીના સર્વિસ સેન્ટરની સામે જ પોતાના OLA સ્કૂટરને હથોડા વડે તોડી નાંખ્યું હતુ. આ સમયે ગ્રાહકનો એક મિત્ર આ સમગ્ર બનાવનો વીડિયો ઉતારતો હતો. વીડિયો રેકોર્ડ કરી રહેલો શખ્સ બોલી રહ્યો છે કે, સ્કૂટરના માલિકે એક મહિના પહેલા જ ખરીદેલા સ્કૂટરને તોડવાનો વારો આવ્યો છે, કારણ કે કંપનીએ સર્વિસના નામે તેને 90 હજાર રૂપિયાનું બિલ પકડાવી દીધુ. વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ સ્કૂટરને આગને હવાલે કરવાની સલાહ પણ આપતા હતા.