Navsari: ગણદેવીમાંથી પસાર થતીં અંબિકા નદી ગાંડીતૂર, બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

આજે દિવસભર ગુજરાતના 17 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાના આહવામાં સૌથી વધુ 4.4 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Sep 2025 07:49 PM (IST)Updated: Tue, 23 Sep 2025 07:49 PM (IST)
navsari-news-ambika-river-over-flooded-due-to-heavy-rain-in-dang-district
HIGHLIGHTS
  • ધોબી તળાવની દેગામ ચાલમાં પાણી ભરાયા
  • ફાયર વિભાગને એલર્ટ રહેવાની સૂચના

Navsari: કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય, પરંતુ બંગાળની ખાડીની અસ્થિરતાના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં આષોમાં અષાઢી માહોલ છવાયો છે. ખાસ કરીને ડાંગ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થઈ અંબિકા નદી ગાંડીતૂર બની છે.

ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે અંબિકા નદીની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિકો ઘરોમાં પણ નદીના પાણી ફરી વળતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગઈકાલે રાતથી જ ડાંગ જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જેને લઈને બીલીમોરાના નીચાણવાળા ભાગમાં આવેલા બંદર રોડ, ધોબી તળાવ વિસ્તાર અને પોલીસ સ્ટેશનની પાછળના ભાગોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે. દેગામ ચાલમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

બીજી તરફ નવરાત્રિના તહેવાર ટાળે આવી પડેલી આ કુદરતી આફતના કારણે લોકોને પોતાની ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી રહી છે. રોજે-રોજની કમાણીથી ગુજરાન ચલાવતા પરિવારોની હાલત વધાીરે કફોડી બની છે. જો કે રાહતની વાત એ રહી છે કે, આજે નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે અને નહીવત વરસાદ વરસ્યો છે. આથી સ્થાનિકો એક જ આશા રાખીને બેઠા છે કે, સાંજ સુધીમાં નદીના પાણી ઓસરી જાય.

naidunia_image

આજે ગુજરાતના 17 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, આહવામાં 112 મિ.મી ખાબક્યો
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 17 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ડાંગ જિલ્લાના આહવામાં સૌથી વધુ 112 મિ.મી (4.4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુબીરમાં 38 મિ.મી (1.5 ઈંચ), વઘઈમાં 28 મિ.મી (1.1 ઈંચ) વરસાદ નોંધાયો છે. તેમજ વલસાડના કપરાડામાં 25 મિ.મી, ધરમપુરમાં 9 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 7 મિ.મી., વલસાડના પારડીમાં 7 મિ.મી, તાપીના વાલોદમાં 7 મિ.મી, ડોલવણમાં 6 મિ.મી વરસાદ વરસ્યો છે.

જ્યારે બપોરે 4 થી 6 વાગ્યા સુધીના છેલ્લા 2 કલાકના સમયગાળામાં માત્ર 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી તાપીના ડોલવણમાં 6 મિ.મી અને વ્યારામાં 2 મિ.મી ખાબક્યો છે. આમ આખા દિવસ દરમિયાન 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.