Rajkot: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક SHE ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સિટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક SHE ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.
હાલ નવલા નોરતાનો રંગારંગ પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે શહેરના વિવિધ પોલીસ મથકની પાંચ SHE ટીમ કાર્યરત થઈ ચૂકી છે. DCP ક્રાઈમ જગદીશ બાંગરવાના નેજા હેઠળ SHE ટીમને નવરાત્રી દરમ્યાન યુવતીઓની છેડતી કરતા રોમીયોને કાયદાના પાઠ ભણાવવા ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી છે.
શહેરભરમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પાંચ SHE ટીમ કાર્યરત કરવામાં આવી. જે પૈકી એક ટીમમાં ચાર મેમ્બરનો સમાવેશ કરાયો છે. જેમાં બે ટ્રેડિશનલ ડ્રેસમાં, એક યુનિફોર્મમાં અને એક દુર્ગા શકિત, જે ચારેય ટીમ મેમ્બરો શહેરના વિવિધ રાસ-ગરબામાં જઈ યુવતીઓની છેડતી કરતા કે દારૂના નશામાં ધૂત થઈ ગરબા રમવા આવેલાને પકડી નજીકના પોલીસ સ્ટેશને સોંપવાના આવે છે. જે બાદ પોલીસ દ્વારા ઝડપાયેલા જે-તે સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
આ અંગે SHE ટીમના ઈન્ચાર્જ કોકીલાબેન સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે રાસ-ગરબામાં ગૂડ ટચ-બેડ ટચ અંગે યુવતીઓને માહિતગાર કરવામાં આવી હતી. જયારે આ વર્ષે રોમિયો ગીરી કરતા, દારૂ પીધેલા સહિતના તત્વો સામે ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પાંચ ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં ગરબા ગ્રાઉન્ડ પર અમો ટ્રેડિશનલ ડ્રેસમાં જતા હોય છે. આ દરમિયાન કોઈ શખ્સ રોમિયોગીરી કરતો જણાય તો જે-તે પોલીસ સ્ટેશનને સોંપવાની અમારી કામગીરી રહેતી હોય છે.
તેમજ મારી ટીમમાં પોલીસ કોન્સટેબલ દક્ષાબેન, પ્રિયકાંદેવી, મોનિકાબેન અને એલઆર પાયલબેન સહિતના કાર્યરત છે. છોકરાઓને અમારો સંદેશ છે કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને યુવતીઓએ ડરવાની જરૂર નથી. કશું યે અનિરછનીય લાગે તો 181 ડાયલ કરો અને ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવતીઓની સુરક્ષા-સલામતી માટે SHE ટીમ સતત પેટ્રોલિંગ પર રહેશે તેમ અંતે જણાવ્યું હતું.
