Navsari Crime News: નવસારીમાં ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ 14 વર્ષીય સગીરા સાથે પરિચય કેળવી ખાનગી તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે 19 વર્ષીય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારીની સગીરાનો આશરે ત્રણ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ પર મૂળ ઉતરપ્રદેશના વતની 19 વર્ષીય કિશન દેવાનંદ ગુપ્તા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. ગત 2 ઓગસ્ટના રોજ કિશન સગીરાને લલચાવીને દાંડી દરિયાકિનારે લઈ ગયો હતો. ત્યાં એકાંત સ્થળે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીએ સગીરાને તેના કપડાં બદલતી તસવીરો પોતાના મોબાઈલમાં હોવાની વાત કહી હતી. આ તસવીરો જાહેર કરવાની ધમકી આપીને તેણે સગીરાને ફરી દાંડી દરિયાકિનારે લઈ જઈ તેની સાથે વધુ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, તસવીરો વાયરલ કરવાની તેમજ સગીરાના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.
સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ જલાલપોર પોલીસે આરોપી કિશન ગુપ્તા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
