Vadodara: મલ્લિકાર્જુન ખડગેની ગુજરાતીઓ પર ટિપ્પણીને લઈને ભાજપ આક્રમક, કોંગ્રેસને પૂછ્યું- 'શું રાહુલ-પ્રિયંકા ગાંધીના પૂર્વજો મૂર્ખ હતા?'

ગુજરાતની જનતાએ હંમેશા દેશને દિશા આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની આ ભૂમિનું અપમાન સહન કરવામાં આવશે નહીં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 06:10 PM (IST)Updated: Wed, 08 Apr 2026 06:10 PM (IST)
vadodara-news-kharge-controversy-bjp-hits-back-raises-questions-on-rahul-and-priyanka-gandhis-ancestry
HIGHLIGHTS
  • ધારાસભ્ય યોગેશ પટેલે ગાંધી પરિવારના મુળિયા યાદ અપાવી કોંગ્રેસને આડેહાથ લીધી
  • કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે

Vadodara: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે કરવામાં આવેલા કથિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે વડોદરા શહેર ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસની માનસિકતા સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ વિવાદમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ગાંધી પરિવારના મૂળિયાં યાદ અપાવી કોંગ્રેસને ભીંસમાં લીધી છે.

યોગેશ પટેલનો કોંગ્રેસને વેધક સવાલ

પત્રકાર પરિષદમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવાની માનસિકતા ધરાવે છે. જો કોંગ્રેસ ગુજરાતીઓને 'મૂર્ખ' ગણાવતી હોય, તો તેમણે યાદ રાખવું જોઈએ કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા (ફિરોઝ ગાંધી) પણ મૂળ ગુજરાતી જ હતા. તો શું કોંગ્રેસના મતે તેમના પૂર્વજો પણ મૂર્ખ હતા?

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતની જનતાએ હંમેશા દેશને દિશા આપી છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની આ ભૂમિનું અપમાન સહન કરવામાં આવશે નહીં. કોંગ્રેસ પોતાના પૂર્વજોના મૂળિયાં ભૂલીને માત્ર સત્તા મેળવવા માટે ગુજરાત વિરોધી નિવેદનો કરી રહી છે.

શહેર ભાજપ પ્રમુખનો પ્રહાર

વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ આ પ્રસંગે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે હવે કોઈ નક્કર લોકહિતના મુદ્દાઓ રહ્યા નથી. જ્યારે કોઈ પક્ષ પાસે જનતા વચ્ચે જવા માટે મુદ્દા ખૂટી જાય છે, ત્યારે તે વ્યક્તિગત આક્ષેપો અને પ્રાદેશિક અપમાન પર ઉતરી આવે છે. કોંગ્રેસની આ 'હલકી માનસિકતા'ને કારણે જ તે આજે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

ચૂંટણીમાં જનતા આપશે જવાબ

ભાજપના નેતાઓએ એકસૂરે જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા કોંગ્રેસના આ અપમાનનો બદલો લેશે. ગુજરાતની પ્રજા પોતાના આત્મસન્માન માટે હંમેશા લડતી આવી છે અને આ વખતે પણ બેલેટ પેપર (મતદાન) દ્વારા કોંગ્રેસને 'જડબાતોડ જવાબ' આપી તેની અસલી જગ્યા બતાવી દેશે.